નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનને મોટી રાહત આપવાનો ઇનકાર કરતાં તેમની અરજી ફગાવી દીધી છે. મીનાક્ષી નટરાજને રાજ્યસભા ચૂંટણી માટેનું પોતાનું ઉમેદવારી પત્ર (નામાંકન) રદ કરવાના નિર્ણયને પડકારતાં સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો અને તેમની અરજી ફગાવી દીધી. આ સાથે જ રિટર્નિંગ ઓફિસર દ્વારા રાજ્યસભા ચૂંટણી માટેનું તેમનું નામાંકન રદ કરવાનો નિર્ણય યથાવત્ રહ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે તે ચૂંટણીપ્રક્રિયામાં દખલ કરી શકતી નથી. એ સાથે જ કોર્ટે કહ્યું હતું કે અરજદાર ઇલેકશન પિટિશન (ચૂંટણી અરજી) હાઈકોર્ટમાં દાખલ કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે મીનાક્ષી નટરાજનની અરજી કેસના ગુણદોષ (મેરિટ)ને આધારે નહીં પરંતુ તેની સુનાવણી યોગ્યતા (મેન્ટેનેબિલિટી)ને આધારે ફગાવવામાં આવી છે. કોર્ટે જણાવ્યું હતું કે આ તબક્કે તે મામલામાં હસ્તક્ષેપ નહીં કરે. એ સાથે જ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તેના આ નિર્ણયની અસર મીનાક્ષી નટરાજન દ્વારા ભવિષ્યમાં દાખલ થનારી કોઈ પણ ચૂંટણી અરજી પર નહીં પડે અને તેઓ કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.
નિર્ણય બાદ મીનાક્ષી નટરાજનનું નિવેદન
કોર્ટના નિર્ણય બાદ મીનાક્ષી નટરાજને જણાવ્યું હતું કે ચૂંટણી પંચ તેમની વિરુદ્ધ મળેલું છે અને તેમની લડત ચાલુ રહેશે. તેમણે ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું હતું કે અગાઉ “મતોની ચોરી” થતી હતી અને હવે “સીટોની ચોરી” થઈ રહી છે. તેમણે પોતાનું રાજ્યસભા નામાંકન રદ થવું રાજ્ય સરકાર અને ચૂંટણી પંચની મિલીભગતનું પરિણામ ગણાવ્યું હતું. કોંગ્રેસની રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજન તરફથી રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજીમાં રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને ખોટો, પક્ષપાતપૂર્ણ અને કાયદા વિરુદ્ધ ગણાવવામાં આવ્યો હતો.
Bhopal, Madhya Pradesh: On the Supreme Court dismissing Congress leader Meenakshi Natarajan petition related to the cancellation of Rajya Sabha nomination, Minister Vishwas Sarang says, “The Supreme Court has taken a completely correct decision. We knew that Congress was staging… pic.twitter.com/WxHzchsHEL
— IANS (@ians_india) June 12, 2026
આજે જંતર-મંતર પર કોંગ્રેસનું પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ કરવાના વિરોધમાં આજે જંતર મંતર ખાતે ‘સત્યાગ્રહ’ પ્રદર્શન યોજવામાં આવશે. કોંગ્રેસ આ નિર્ણય સામે પોતાનો વિરોધ નોંધાવશે.






