યોગી સરકારે એનાલોગ પનીર સહિત અનેક વસ્તુઓ પર મૂક્યો પ્રતિબંધ

લખનૌ: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે એનાલોગ પનીર, ક્રીમ, ઘી, છેના અને ખોયા પર પ્રતિબંધ મૂક્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006માં સ્પષ્ટ જોગવાઈ છે કે દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ તેમની મૂળ પ્રકૃતિ અનુસાર જ થવું જોઈએ.

આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં દૂધ અને દૂધ ઉત્પાદનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વિવિધ નમૂનાઓમાં અનેક પ્રકારની ભેળસેળ જોવા મળી હતી. કેટલાક જિલ્લાઓમાં દૂધ અને દૂધ ઉત્પાદનોમાં રિફાઇન્ડ તેલ અને ચરબી, સોયાબીન તથા તેનાં ઉત્પાદનો, ટેલ્કમ પાઉડર, ડિટર્જન્ટ, ટાઇટેનિયમ ડાયોક્સાઇડ, લિક્વિડ ગ્લુકોઝ, સેફોલાઇટ, રાનીપોલ, ટીનોપોલ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, વિવિધ ન્યુટ્રલાઇઝર અને અન્ય વસ્તુઓની ભેળસેળ મળી આવી હતી. સરકારના જણાવ્યાનુસાર આ પ્રકારની ભેળસેળ કરીને બનાવવામાં આવતાં દૂધ અને દૂધ ઉત્પાદનો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેથી આવી વસ્તુઓ પર રોક લગાવવી ખાદ્ય સુરક્ષા કમિશનરની મુખ્ય જવાબદારીઓમાંની એક છે.

આદેશમાં શું કહેવામાં આવ્યું છે?

  • કોઈ પણ ડેરી અથવા ડેરી પ્રોડક્ટની ઉત્પાદન/પ્રોસેસિંગ યુનિટમાં વિદેશી ચરબી, હાનિકારક રસાયણો અથવા ભેળસેળ કરનારા પદાર્થો મળી આવે તો તે યુનિટમાં હાજર તમામ દૂધ ઉત્પાદનો જપ્ત કરીને નષ્ટ કરવામાં આવશે.
  • જનસ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવા પ્રતિષ્ઠાન સામે ખાદ્ય સુરક્ષા અને માનક અધિનિયમ, 2006ની કલમ 34 હેઠળ તાત્કાલિક પ્રતિબંધનો આદેશ જારી કરવામાં આવશે અને ઉત્પાદનનું કામ તાત્કાલિક બંધ કરાવવામાં આવશે.
  • જનસ્વાસ્થ્ય માટે હાનિકારક રસાયણોનો સંગઠિત રીતે ઉપયોગ કરતા લોકો સામે BNSની સંબંધિત કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવશે.
  • સંબંધિત બ્રાન્ડના વેચાણ પર ઉત્તર પ્રદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવશે.
  • આવા પ્રતિષ્ઠાનનું ફૂડ લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ બિઝનેસનું લાઇસન્સ અને રજિસ્ટ્રેશન) રેગ્યુલેશન, 2011ના નિયમ 1.8(4) હેઠળ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવશે.
  • ઉત્તર પ્રદેશની બહાર બનાવવામાં આવેલાં દૂધ અથવા દૂધ ઉત્પાદનોમાં હાનિકારક રસાયણો અને વિદેશી ચરબીની પુષ્ટિ થાય તો સંબંધિત બ્રાન્ડના વેચાણ પર રાજ્યમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવશે.