‘કચ્છના રણનું રહસ્ય’, તાજેતરમાં જ આ પુસ્તકનું પ્રકાશન થયું. આ પુસ્તક કચ્છના રણ ઉપરાંત તે કઈ રીતે પ્રકાશિત થયું તેનું પણ લાગણીસભર રહસ્ય ખોલે છે. પુસ્તકના લેખક, જેમણે આ પુસ્તકનું કન્ટેન્ટ લખી પાનાઓ (હસ્તપ્રત) પોતાના કબાટમાં રાખી મુક્યા, પરંતુ પુસ્તક છાપવા આપતા પહેલાં તેઓ અવસાન પામે છે અને એક દિવસ તેમની દિકરીના હાથમાં આ હસ્તપ્રત એટલે કે પાનાઓ આવે છે અને દીકરી પુસ્તકને લોકો સમક્ષ મુકવાનું કામ પૂરુ પાડે છે.
પુસ્તકની વાત કરીએ તો રહસ્ય શબ્દ જ વાંચકોના મનમાં જિજ્ઞાસા ઊભી કરે છે. છ દાયકાથી પણ વધુ વર્ષોથી ભારતીય ભૂગોળના સૌથી મોટા રહસ્યો પૈકીના એક પર પત્રકાર મોહનલાલ પી ગાંધીની આ અસાધારણ હસ્તપ્રત કોઈ ધૂળિયા એકાંત ખૂણામાં ધરબાયેલી પડી હતી, એક દિવસ તેમનાં પુત્રી મીનાક્ષીબેનને સાફસફાઈ દરમિયાન ટાઈપ થયેલાં પૃષ્ઠો મળી આવ્યા અને આ કૃતિ છાપવામાં આવી.
આ પુસ્તક વાચકને ભારતીય ઉપખંડના મહાન સફેદ રેગિસ્તાન, કચ્છના રણની અસાધારણ મુસાફરી પર લઈ જાય છે. ભૂસ્તરશાસ્ત્ર, ઈતિહાસ અને રહસ્યનું સમાન મિશ્રણ ધરાવતું આ પુસ્તક કચ્છના રણનો કોયડો કેવી રીતે કુદરત અને મનુષ્યોએ મળીને વિશ્વના સૌથી અદભૂત મીઠાના રેગિસ્તાનની રચના કરી તેની ઝાંખી કરાવે છે. પુસ્તકના રંગીન ચિત્રોમાં, નકશાઓ, 160 વર્ષો પૂર્વેના રાજા, મહારાજાઓ, માનવજીવન અને આકર્ષક પ્રકૃતિ તત્વોને કંડાર્યા છે. પુસ્તક વાંચતા જ વાચકની દ્રષ્ટિ સમક્ષ આખુ દ્રશ્ય જીવંત થાય છે. પુસ્તક વાચકોને ખરેખર તે પ્રવાસ જ કરી રહ્યાં હોય તેવી અનુભૂતિ કરાવે છે.
1 થી 8 પ્રકરણોમાં પરિચય, રણ, સિંધુ નદી અને મહાન સિકંદર, શા માટે સિંધના મીરોએ રણની ફળદ્રુપ ચોખાની જમીનનો નાશ કર્યો, રણની સપાટી પરના ખાડા, રણ કેવી રીતે બદલાયું સરસ્વતી નદીનું ગૂઢ રહસ્ય, થારનું રણ અને કચ્છનું રણ અને અંતે કચ્છના રણમાં યુનેસ્કોનું સંશોધન અને કમનસીબી વર્ણવી છે. સરળ ભાષા અને રંગીનચિત્રોથી પુસ્તક પ્રભાવી બન્યું છે.
પુસ્તકના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો…
ગોંડવાનાલેન્ડ અને યુરેશિયાના બે મહાખંડોને અલગ કરતો એક મહાન સમુદ્ર હતો. જે હવે ભૂમધ્ય સમુદ્રમાં સંકોચાઈ ગયો છે. જેને ભૂસ્તરશાસ્ત્રીઓએ ટેથીસ નામ આપ્યું છે. મોટા ભાગના જુરાસિક સમયગાળા અને યુગો (લગભગ 100થી 50 મિલિયન વર્ષો) સુધી ટેથીસે સમગ્ર હિમાલય પ્રદેશ અને તિબેટ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.(પરિચય પૃષ્ઠ ક્રમાંક-16)
ઓગણીસમી સદીની શરૂઆતમાં અંગ્રેજોએ, ભારતમાં કંઈક અંશે સ્થાયી થયા બાદ, પોતાની સત્તાને સુદ્રઢ કરવા કચ્છ અને સિંધ તરફ નજર નાંખી અને આ પશ્ચિમી પ્રદેશોમાં, શક્તિશાળી માણસોની આગેવાની હેઠળના અભિયાનો મોકલ્યાં. (પ્રકરણ: 2 પુષ્ઠ 36)
સિંધના મીરો એકમાત્ર માનવીય ખેલાડીઓ નહોતા, જેમનો કચ્છના મહાન મીઠાની ભેજવાળી જમીનને ઉજ્જડ બનાવવામાં હાથ હતો. ભારતના બ્રિટિશ શાસકો પણ આ ષડયંત્રમાં બરાબરના ભાગીદાર હતા.(પ્રકરણ:3 પૃષ્ઠ 65)
રણમાં માટી અને કળણવાળી રેતીના ઘણા સ્થળો છે, જ્યાં માણસો અને જાનવરો માટે એક વખત તેમાં ખૂંપી ગયા પછી બહાર આવવું મુશ્કેલ બને છે. તે એક દુર્લભ અવલોકન છે. (પ્રકરણ:4 પૃષ્ઠ 73)
આછેરી અક્ષર ઓળખાણ બાદ એટલું જ કહેવાનું કે એક સંશોધનાત્મક નિબંધ લખતી વખતે જે ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરીને સરળ, સહજ સમજાય તેવી ભાષામાં તૈયાર થયેલું પુસ્તક સર્વે પ્રવાસ, ઈતિહાસ અને સાહિત્ય પ્રેમીને પસંદ પડે એવું છે. અંતમાં ‘કચ્છમાં રણનું રહસ્ય’માં છતું થતું પ્રાકૃતિક રહસ્ય સાથે માનવજીવનની કૂટનીતિનું રહસ્ય પણ આલેખાયું છે જે સર્વે વાચન પ્રેમીઓએ એકવાર તો વાચવું રહ્યું.
(અહેવાલ: પૂર્ણા મોદી)
