સત્તા પરિવર્તન માટે હિંસા આચરનારાઓને UPમાં નહીં મળે સરકારી નોકરી

લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે નિગમો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સીધી ભરતી હેઠળ પસંદગી પામનારા ઉમેદવારો માટે ચારિત્ર્ય ચકાસણીની નીતિ વધુ કડક બનાવી છે. હિંસાને બળે વ્યવસ્થા બદલવાના એટલે કે ‘રેજિમ ચેન્જ’ના ઉદ્દેશ સાથે કામ કરતાં સંગઠનોના સભ્યો સરકારી નોકરી માટે ગેરલાયક ઠરશે. જોકે માત્ર રાજકીય વિચારધારાને આધારે કોઈને ગેરલાયક ઠેરવવામાં નહીં આવે.

સરકારી નોકરીના દરવાજા સંપૂર્ણપણે બંધ

સૂત્રોના જણાવ્યાનુસાર નવી નીતિ હેઠળ હત્યા, લૂંટ, બળાત્કાર, મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી, ભ્રષ્ટાચાર, આતંકવાદી પ્રવૃત્તિઓ, પેપર લીક અને સોલ્વર ગેંગ સાથે સંકળાયેલા કેસોમાં સંડોવાયેલા હોવાનું જણાય તો ઉમેદવારો માટે સરકારી નોકરીના દરવાજા સંપૂર્ણપણે બંધ થઈ જશે.

આ નિયમો અગાઉથી અમલમાં હતા, પરંતુ હવે તેમને વધુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે 21 વર્ષની ઉંમર પછી વ્યક્તિ સામે નોંધાયેલા આવા કેસોની તપાસની તારીખથી ત્રણ વર્ષની અંદર ‘રેજિમ ચેન્જ’ સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવો એ બાબતનો પુરાવો માનવામાં આવશે કે તે વ્યક્તિ હજી પણ આવી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માત્ર FIR નોંધાવાથી અથવા તપાસ બાકી હોવાથી કોઈ વ્યક્તિને આપમેળે ગેરલાયક ઠેરવવામાં નહીં આવે.

30 દિવસમાં ચારિત્ર્ય ચકાસણીનો અહેવાલ આપવો પડશે

જિલ્લા પોલીસ અને સ્થાનિક ગુપ્તચર એકમ (LIU)એ ચારિત્ર્ય ચકાસણી માટેની વિનંતી મળ્યાના 30 દિવસની અંદર નિમણૂક સત્તાધિકારીને અહેવાલ આપવો પડશે. જો સમયસર અહેવાલ નહીં મળે, તો ગૃહ વિભાગ આ પ્રક્રિયા પર દેખરેખ રાખશે. ચકાસણી માટે પોલીસ અથવા LIUના અધિકારીઓ ઉમેદવારના ઘરે જઈને પૂછપરછ નહીં કરેતેમ જ ઉમેદવારની રૂબરૂ હાજરી પણ જરૂરી રહેશે નહીં. જો ચકાસણીનો અહેવાલ પ્રતિકૂળ હશે, તો જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાની ભલામણ મોકલતાં પહેલાં ઉમેદવારને ઓનલાઇન અથવા રૂબરૂ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપશે. નિમણૂક અને કર્મચારી વિભાગના મુખ્ય સચિવ એમ. દેવરાજ દ્વારા હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવા માટે આ સરકારી આદેશ જારી કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે નવી જોગવાઈઓ અગાઉથી અમલમાં રહેલા નિયમોની સરખામણીમાં વધુ સ્પષ્ટ છે.