સિંધના વિભાજન પ્રસ્તાવ સામે કરાચીમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા

કરાચી / ઇસ્લામાબાદ: સિંધ પ્રાંતના સંભવિત વિભાજનના પ્રસ્તાવ સામે કરાચી સહિત સમગ્ર સિંધમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. રવિવારે કરાચીમાં હજારો લોકોએ રેલી યોજીને પાકિસ્તાની સેનાના વડા ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને પંજાબ-પ્રભુત્વ ધરાવતી વ્યવસ્થા પર સિંધના ટુકડા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ‘જીયે સિંધ મુત્તહિદા મહાઝ’ (JSMM)એ પંજાબની આર્થિક નાકાબંધી કરવાની ધમકી આપી છે અને સ્વતંત્ર ‘સિંધુદેશ’ની માંગ ફરી ઉઠાવી છે.જીયે સિંધ રહબર કમિટી (JSRC)ના નેજા હેઠળ ચાર સિંધી રાષ્ટ્રવાદી પક્ષોના સમર્થકોએ લાલ ધ્વજ અને પરંપરાગત અજરક પહેરીને કરાચીમાં વિરોધ કૂચ કરી હતી. નેતાઓએ પ્રસ્તાવિત જનમત સંગ્રહ (રેફરન્ડમ)ને નકારી કાઢતા કહ્યું હતું કે તે પૂર્વનિર્ધારિત નિર્ણયને કાયદેસર ઠેરવવાનો પ્રયાસ છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનું આંદોલન ઉર્દૂભાષી કે અન્ય સમુદાયો વિરુદ્ધ નથી. હૈદરાબાદ, નવાબશાહ, લરકાના અને મેહર સહિતના વિસ્તારોમાં પણ વિરોધ પ્રદર્શનો થયા છે, જ્યારે જેયુઆઈ-એફ (JUI-F)એ પણ કરાચી, સુક્કુર અને જેકોબાબાદમાં વિરોધ નોંધાવ્યો હતો.આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે ગૃહમંત્રી મોહસિન નકવીએ નવા વહીવટી એકમો અને જનમત સંગ્રહનો પ્રસ્તાવ મૂક્યો, તેમજ આયોજન મંત્રી અહેસાન ઇકબાલે પ્રાંતોની સંખ્યા ૧૨થી ૧૫ સુધી લઈ જવાની વાત કરી અને સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ૨૦૨૬ના અંત સુધીમાં જનમત સંગ્રહ અંગે ચર્ચા આગળ વધવાના સંકેત આપ્યા. સિંધમાં ૨૦૦૮થી સત્તામાં રહેલી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ પણ સિંધના વિભાજન સામે ચેતવણી આપતા કહ્યું હતું કે આવા પગલાંથી કરાચી અને હૈદરાબાદમાં લોહી વહી શકે છે. બીજી તરફ, પીપીપીની હરીફ એમક્યુએમ-પાકિસ્તાન (MQM-P) નવા પ્રાંતોની રચનાના પક્ષમાં છે.

૨૯ નવેમ્બરે કરાચીમાં રાષ્ટ્રવાદીઓની વધુ એક મોટી રેલી અને તે જ દિવસે MQM-Pની રેલીના આયોજનને કારણે શહેરમાં સંઘર્ષની આશંકા વધી છે. રાષ્ટ્રવાદી સંગઠનોએ આરોપ લગાવ્યો છે કે સિંધની જમીન, દરિયાકાંઠાના ટાપુઓ તેમજ તેલ, ગેસ અને કોલસાના સંસાધનો પર કબજો જમાવવા માટે આ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે.