દિલ્હીમાં એકસાથે 20થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાડવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હીમાં 20થી વધુ શાળાઓને ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી છે એમ અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી રિચમન્ડ ગ્લોબલ સ્કૂલને બોમ્બ વિસ્ફોટની ધમકી આપી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

દિલ્લી અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને દિલ્હી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. આગળની તપાસ ચાલી રહી છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં રાષ્ટ્રીય રાજધાનીના લગભગ 10 શાળાઓ અને એક કોલેજને ઈમેલ મારફતે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. જેને પગલે પોલીસ કાર્યવાહી કરતાં શાળાઓ અને કોલેજોને તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી.

આ ઈમેલમાં લખ્યું હતું કે નમસ્તે, હું તમને જણાવવા માટે લખી રહ્યો છું કે મેં સ્કૂલના વર્ગખંડોમાં TNT (ટ્રાઇનાઈટ્રોટોલ્યુઈન) જેવાં અનેક વિસ્ફોટક ઉપકરણો મૂક્યા છે. આ વિસ્ફોટકોને કાળા પ્લાસ્ટિકના થેલામાં છુપાવીને ખૂબ જ હોશિયારીથી મૂકવામાં આવ્યા છે. હું તમને બધાને ખતમ કરી નાખીશ. એક પણ જીવતો બચશે નહીં. જ્યારે હું સમાચાર જોઈશ ત્યારે હું ખૂબ હસીને મજા લઈશ, કારણ કે ત્યારે હું જોઉં છું કે માતા-પિતા સ્કૂલ આવે છે અને તેમને તેમનાં બાળકોનાં ઠંડાં અને ખંડિત શરીરો જોવા મળે છે.

તમે બધા દુઃખ સહન કરવાના લાયક છો. મને મારી જિંદગીથી નફરત છે. આ સમાચાર પછી હું આત્મહત્યા કરીશ, મારું ગળું અને નસો કાપીશ. કદી પણ મને સાચી મદદ મળી નથી. ન તો કોઈ મનોવિજ્ઞાની કે મનોચિકિત્સક, કોઈએ કદી મારી ચિંતા કરી નથી અને નહીં કરશે. તમે માત્ર લાચાર અને અજ્ઞાન લોકોને દવાઓ આપો છો. મનોચિકિત્સકો કદી કહેશે નહીં કે આ દવાઓ તમારાં અંગો બગાડી નાખે છે કે એ શરમજનક વજન વધારો કરે છે. તમે લોકોના મગજ બગાડી નાખો છો એ માનવા માટે કે દવાઓ મદદરૂપ છે – પરંતુ એ મદદરૂપ નથી. હું જીવતો પુરાવો છું કે એ ફાયદાકારક નથી.

અધિકારીઓ અનુસાર જેમને ધમકી મળી છે તે શાળાઓમાં દ્વારકાની સેન્ટ થોમસ સ્કૂલ, વસંત કુંજની વસંત વેલી સ્કૂલ, હૌઝ ખાસની ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, પશ્ચિમ વિહારની રિચમન્ડ ગ્લોબલ સ્કૂલ અને લોધી એસ્ટેટની સરદાર પટેલ વિદ્યાલયનો સમાવેશ થાય છે.