ઓમાનની ખાડીમાં જહાજ પર અમેરિકી હુમલામાં ત્રણ ભારતીયોનાં મોત

નવી દિલ્હીઃ ઓમાનના દરિયાકાંઠા નજીક અમેરિકાએ નિશાન બનાવેલા તેલ ટેન્કર પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થયાં છે. ઓમાનની ખાડીમાં આવેલા સેટ્ટેબેલો‘ (Settebello) નામના જહાજ પર અમેરિકી હુમલામાં ત્રણ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે ઓમાનના કિનારા નજીક આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકી સેનાએ કરેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોનાં મોત થયાં હતાં, જેઓ અગાઉ ગુમ થયેલા હોવાનું માનવામાં આવતું હતું.

અમેરિકી હુમલા સમયે જહાજ પર કુલ 28 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 24 ભારતીય અને ચાર વિદેશી નાગરિકો (2 પાકિસ્તાની, 1 યુક્રેનિયન અને 1 રશિયન) સામેલ હતા.

કોણ-કોણનાં મોત થયા?

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ- Strait of Hormuz નજીક આવેલા સેટ્ટેબેલો જહાજ પર થયેલા હુમલામાં મૃત્યુ પામેલા ત્રણ ભારતીયોની ઓળખ આ મુજબ થઈ છે:

  • ડેક કેડેટ આદિત્ય શર્મા
  • એન્જિન ફિટર શિવાનંદ ચૌરસિયા
  • ચીફ એન્જિનિયર પટનાલા સુરેશ

આ જહાજનું સંચાલન કરતી કંપનીને બાકીના નાવિકો સાથે સંપર્ક સાધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મોત ત્યારે થયાં જ્યારે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડની સેનાએ ઓમાનના દરિયાકાંઠા નજીક પલાઉના ધ્વજ હેઠળ ચાલતા એક તેલ ટેન્કર પર હુમલો કર્યો હતો. આરોપ છે કે આ ટેન્કર ઈરાની તેલ પર લાગેલા પ્રતિબંધો અને નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું.