યુ.એન. મહેતા હોસ્પિટલના ડ્રેનેજમાં ત્રણ શ્રમિક ગૂંગળાયા, ફાયરબ્રિગેડે રેસ્ક્યૂ કર્યા

અમદાવાદ: યુ.એન. મહેતા હોસ્પિટલ કેમ્પસમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુવેજ ટેન્ક (ગટરના ખાડા)ની સફાઈ દરમિયાન ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થતાં ત્રણ શ્રમિકો બેભાન થઈ ગયા હતા. જોકે, અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ત્રણેય શ્રમિકોને મોતના મોંમાંથી બહાર કાઢી લીધા છે.હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ડ્રેનેજ પાઇપલાઇનની સફાઈ અથવા રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક મજૂર અચાનક સંતુલન ગુમાવતા પાઇપલાઇનની અંદર પડી ગયો હતો. તેને ડૂબતો અને ગૂંગળાતો જોઈને તેને બચાવવા માટે ત્યાં હાજર અન્ય બે વ્યક્તિઓ પણ એક પછી એક અંદર ઉતર્યા હતા. જોકે, અંદર ઝેરી ગેસ અથવા લપસણ હોવાના કારણે ત્રણેય શ્રમિકો ત્યાં ફસાઈ ગયા હતા. આ દરમિયાન અંદર ઉતરેલા એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરીને જોરજોરથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું.

ત્રણેય શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

શ્રમિકની બૂમાબૂમ સાંભળીને હોસ્પિટલનો સ્ટાફ અને સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને બૂમો પાડતા એક યુવકને સુરક્ષિત રીતે બહાર ખેંચી લીધો હતો. જ્યારે અન્ય બે શ્રમિકો પાઇપલાઇનમાં ઊંડે સુધી ફસાઈ ગયા હતા. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે ઓક્સિજન સિલિન્ડર અને ખાસ સાધનોની મદદથી પાઇપલાઇનની અંદર ઉતરીને બાકીના બંને મજૂરોને પણ હેમખેમ બહાર કાઢી લીધા હતા.

શ્રમિકોના નામ

  • પ્રવીણ વાઘેલા
  • સાહિલ નાડિયા
  • રોકી મેકવાન

અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય શ્રમિકોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મેન્ટેનન્સના કામ દરમિયાન બનેલી એક દુર્ઘટના છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની કોઈ બેદરકારી હોવાનું સામે આવ્યું નથી. હાલમાં આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તેની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.