સપાના ત્રણ બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાશે

લખનૌઃ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના મુખ્ય મથક ગૌરીગંજમાં મંગલમ પરિસરની સામે આવેલા વિશાળ મેદાનમાં આજે ભાજપનો સભ્યપદ ગ્રહણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સમાજવાદી પાર્ટી (સપા)માંથી બળવો કરીને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા ત્રણ ધારાસભ્યો પોતાના હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે.

આ ધારાસભ્યોમાં ગૌરીગંજ વિધાનસભા બેઠકના રાકેશ પ્રતાપ સિંહ, અયોધ્યા જિલ્લાના ગોસાઈગંજ બેઠકના અભય પ્રતાપ સિંહ અને જાલૌન જિલ્લાના કાલપી બેઠકના વિનોદ ચતુર્વેદીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ભાજપના ઉત્તર પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અમરપાલ મૌર્ય સહિત રાજ્ય સરકારના અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો હાજર રહેવાના છે.

ભાજપમાં પાછો ફરી રહ્યો છું: રાકેશ પ્રતાપ સિંહ

ભાજપનું સભ્યપદ ગ્રહણ કરતાં પહેલાં ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે મિડિયાને જણાવ્યું કે તેમના માટે આ ઘરવાપસી સમાન છે. તેમણે કહ્યું હતું કે તેઓ પહેલી વાર ભાજપમાં જોડાઈ રહ્યા નથી, પરંતુ અગાઉ પણ પક્ષના સભ્ય રહી ચૂક્યા છે.

હજારો સમર્થકો સાથે જોડાવાનો દાવો

રાકેશ પ્રતાપ સિંહે દાવો કર્યો કે ગૌરીગંજ વિધાનસભા ક્ષેત્રમાં બૂથ સ્તરે ભાજપને જીત અપાવવા માટે કામ કરતા અનેક કાર્યકરો પણ તેમની સાથે પક્ષનું સભ્યપદ ગ્રહણ કરશે. તેમણે કહ્યું કે વર્ષ 2012થી 2027 સુધી સમાજવાદી પાર્ટી માટે બૂથ સ્તરે કામ કરનારા કાર્યકરોમાંથી મોટી સંખ્યામાં લોકો તેમની સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

સપાથી દૂર થવાનું કારણ જણાવ્યું

સમાજવાદી પાર્ટી છોડવાનાં કારણો અંગે રાકેશ પ્રતાપ સિંહે કહ્યું કે લગભગ સાડાત્રણ વર્ષ પહેલાં પક્ષના વરિષ્ઠ નેતાઓનાં નિવેદનોનો વિરોધ કરતાં તેમણે સપાથી અંતર વધારવાનું શરૂ કર્યું હતું. આ જ સંદર્ભમાં રાકેશ પ્રતાપ સિંહે કહ્યું કે તેઓ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વને મજબૂત બનાવવા માટે કામ કરશે. રાકેશ પ્રતાપ સિંહે દાવો કર્યો છે કે તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપનું સભ્યપદ ગ્રહણ કરશે. જોકે, વાસ્તવમાં કેટલા સમર્થકો કાર્યક્રમમાં પહોંચે છે અને કેટલા લોકો પક્ષમાં જોડાય છે, તે કાર્યક્રમ દરમિયાન જ સ્પષ્ટ થશે.