કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાટો આવતાં ઉર્દૂ ભાષાને લઈને રાજકીય તણાવ વધ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ દ્વારા ઉર્દૂમાં જાહેર કરાયેલા ચૂંટણી ઘોષણાપત્રને ભાજપે એક ખાસ સમુદાયને ખુશ કરવા માટેનું રાજકારણ ગણાવ્યું છે. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે ભાજપના આક્ષેપોને સાંસ્કૃતિક ઓળખને કમજોર કરવાની કોશિશ તરીકે ગણાવ્યા છે.
સ્થાનિક નેતાઓનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ ભારતનાં એવાં રાજ્યોમાંનું એક છે જ્યાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે. રાજકીય પક્ષોના અંદાજ મુજબ રાજ્યમાં લગભગ 27 ટકા વસ્તી મુસ્લિમ સમુદાયની છે. જેમાં મુર્શિદાબાદ રાજ્યનો સૌથી વધુ મુસ્લિમ બહુમતી ધરાવતો જિલ્લો માનવામાં આવે છે.
એ ઉપરાંત માલદા, ઉત્તર દિનાજપુર, દક્ષિણ 24 પરગણા, બિરભૂમ તેમ જ શહેરી વિસ્તારોમાં કોલકાતાના પાર્ક સર્કસ, મેટિયાબ્રુઝ, ગાર્ડન રીચ સહિતના વિસ્તારોમાં મુસ્લિમ વસ્તી મોટા પ્રમાણમાં રહે છે. અહીં રોજિંદી બોલચાલ, શિક્ષણ અને દૈનિક કાર્યોમાં ઉર્દૂ ભાષાનો ઉપયોગ થાય છે. આ કારણે આ સમુદાય સુધી પહોંચવા માટે ઉર્દૂ લાંબા સમયથી રાજકારણનું કેન્દ્ર રહી છે.
મુઘલ કાળથી ઉર્દૂનો પ્રભાવ
બંગાળમાં મુઘલ કાળ દરમિયાન પ્રશાસન અને સેનામાં ફારસી અને ઉર્દૂ ભાષાનો પ્રભાવ રહ્યો હતો. ભારતના વિભાજન બાદ પૂર્વી પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ) અને અન્ય વિસ્તારોમાંથી આવેલા મુસ્લિમ સમુદાયને કારણે વિસ્તારમાં ઉર્દૂનો ઉપયોગ ચાલુ રહ્યો છે.
હાલમાં પશ્ચિમ બંગાળ સરકારે ઉર્દૂને રાજ્યની માન્ય ભાષાઓમાં સામેલ કરી છે. કેટલાક જિલ્લાઓ અને શહેરી વિસ્તારોમાં શિક્ષણ તથા મર્યાદિત પ્રશાસનિક કાર્યોમાં ઉર્દૂનો ઉપયોગ થાય છે. જોકે રાજકીય પક્ષો પોતાના રાજકીય હિત મુજબ આ મુદ્દાનો ઉપયોગ કરતા આવ્યા છે.
BJPનો ‘ઉર્દૂસ્તાન’ બનાવવાનો આક્ષેપ
આ મુદ્દે પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ જગન્નાથ સરકારે આરોપ લગાવ્યો હતો કે મુખ્ય મંત્રી મમતા બેનર્જી ચૂંટણીલાભ માટે એક ખાસ સમુદાયને ટાર્ગેટ કરી રહી છે. તેમના મુજબ તેઓ લાંબા સમયથી વોટબેંકનું રાજકારણ કરે છે અને દેશના આ ભાગને ‘ઉર્દૂસ્તાન’ બનાવવાની કોશિશ કરી રહી છે.




