કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બિધાનનગર ઉત્તર પોલીસે બિધાનનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ મેયર સવ્યસાચી દત્તાની ધરપકડ કરી છે. તેમના પર એક વેપારી પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગવા અને ધમકી આપવાનો આરોપ છે. સબ્યસાચીને આજે બિધાનનગર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ દરમિયાન ઉત્તર દમદમના 21 TMC કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે ED ફરી એક વાર પંજાબમાં હિંદુ વેપારીઓ પર દરોડા પાડી રહી છે. ED પંજાબના નાના હિંદુ વેપારીઓને હેરાન કરી રહી છે. હું તમામ વેપારીઓને અપીલ કરું છું કે ગભરાવાની જરૂર નથી. આખું પંજાબ અને પંજાબ સરકાર તમારી સાથે છે. આપણે સૌ મળીને EDનો સામનો કરીશું.
મમતાના પૂર્વ ધારાસભ્ય સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા TMC નેતાઓ સામે કાર્યવાહી ચાલુ છે. હવે સબ્યસાચી દત્તા સામે પણ પગલાં લેવામાં આવ્યા છે.સબ્યસાચી દત્તા બંગાળના રાજકારણમાં જાણીતું નામ છે. એક સમયે તેઓ મમતા બેનરજીના નજીકના નેતાઓમાં ગણાતા હતા. વર્ષ 2019માં તેમણે TMC છોડીને ભાજપમાં જોડાયા હતા, પરંતુ 2021માં ફરી TMCમાં પરત ફર્યા હતા.
અન્ય TMC નેતાઓ પર પણ શિકંજો
પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ સરકાર સત્તામાં આવ્યા બાદ અનેક મોટા TMC નેતાઓ સામે તપાસ એજન્સીઓએ કાર્યવાહી તેજ કરી છે.
- ભૂતપૂર્વ મંત્રી સુજિતને કથિત મ્યુનિસિપલ ભરતી કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
- TMC નેતા જયપ્રકાશને કથિત ગેરકાયદે મિલકત કબજાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
- તે પહેલાં જહાંગીર ખાનને ખંડણી અને ધમકી સંબંધિત કેસમાં ભારત-નેપાળ સરહદ નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા.
આ રીતે, ધારાસભ્યો અને સાંસદોના બળવાખોર વલણ બાદ હવે ધરપકડોની શ્રેણીથી TMC માટે રાજકીય પડકારો વધુ ગંભીર બનતા દેખાઈ રહ્યા છે.






