અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. સોમવારે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા બે કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં દોઢ ઇંચ ખાબક્યો છે. અમદાવાદમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે ધંધુકા પંથકમાં એક ઇંચ તો ધોલેરા પંથકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. સોમવારનો દિવસ હોવાથી વહેલી સવારે શાળાએ જતા વિધાર્થીઓ માટે વરસાદ વિઘ્ન બન્યો હતો.
હાલમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે. 27 જુલાઈના રોજ વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત 11 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ભારે વરસાદની આગાહી સાથે ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર, અમરેલી, બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.




