નવી દિલ્હીઃ વર્ષ 2026ના અંત સુધીમાં દેશભરના પરંપરાગત ટોલ પ્લાઝા હટાવી દેવામાં આવે એવી શક્યતા છે. તેમની જગ્યાએ એવી આધુનિક વ્યવસ્થા લાવવામાં આવશે, જેને કારણે લોકોને ટોલ પર રોકાવું નહીં પડે અને મુસાફરી પહેલાં કરતાં વધુ સરળ અને ઝડપી બનશે, એમ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવી વ્યવસ્થામાં વાહન જેટલું અંતર કાપશે, એટલો જ ટોલ ચૂકવવો પડશે. એટલે કે હવે લાંબી લાઈનોમાં રાહ જોવી અને ટોલ પર થતા ટ્રાફિક જામમાંથી રાહત મળવાની આશા છે.
હવે ટોલ પર વાહનોને રોકાવું નહીં પડે
તેમણે જણાવ્યું હતું કે નવી સિસ્ટમ નંબર પ્લેટ ઓળખ ટેક્નોલોજી અને FASTag આધારિત રહેશે. આ હેઠળ વાહનોને હવે ટોલ પર અટકવાની જરૂર નહીં પડે, જેને કારણે લોકોનો સમય બચશે અને ટ્રાફિક જામમાંથી પણ રાહત મળશે. આ સિસ્ટમ હાલ 85 ટોલ સ્થળોએ શરૂ કરવામાં આવી છે અને વર્ષના અંત સુધીમાં તેને દેશભરમાં લાગુ કરવાની યોજના છે.
મુસાફરોનો ખર્ચ ઘણો ઓછો થશે
તેમણે જણાવ્યું હતું કે આ નવી ટોલ સિસ્ટમ નંબર પ્લેટ ઓળખ ટેક્નોલોજી અને FASTag પર આધારિત રહેશે. તેમના કહેવા મુજબ આ વ્યવસ્થાથી મુસાફરોનો ખર્ચ ઘણો ઓછો થઈ શકે છે. ગડકરીના જણાવ્યાનુસાર જ્યાં હાલમાં ઘણાં સ્થળોએ 125થી 150 રૂપિયા સુધીનો ટોલ ચૂકવવો પડે છે, ત્યાં નવી વ્યવસ્થા લાગુ થયા પછી આ ખર્ચ ઘટીને અંદાજે 15 રૂપિયા જેટલો રહે એવી શક્યતા છે.
તેમણે 3000 રૂપિયાના એક ખાસ પાસનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના દ્વારા લોકો લગભગ 200 ટોલ ક્રોસિંગ સુધી મુસાફરી કરી શકશે. તેમણે આગળ જણાવ્યું હતું કે દિલ્હી-જયપુર એક્સપ્રેસવે, દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે, અમૃતસર, કટરા અને શ્રીનગર સહિતના ઘણા મોટા હાઈવે કોરિડોર પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત દિલ્હી-ચેન્નઈ એક્સપ્રેસવે અને ચેન્નઈ-બેંગલુરુ એક્સપ્રેસવે પ્રોજેક્ટની પ્રગતિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
શું છે બેરિયર-લેસ ટોલ સિસ્ટમ?ઉલ્લેખનીય છે કે આ પહેલાં નીતિન ગડકરીએ ભારતનું પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) બેરિયર-લેસ ટોલિંગ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સિસ્ટમ NH-48 સુરત-ભરૂચ સેકશન પર આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે શરૂ કરવામાં આવી હતી, જેથી વાહનો રોકાયા વગર ટોલ ચૂકવી શકે.
આ આધુનિક સિસ્ટમ ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) અને FASTag જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જેને કારણે વાહન ચાલતું હોય ત્યારે જ આપમેળે ટોલ કપાઈ જાય છે.




