દિવાળી વેકેશનમાં એશિયાઈ સિંહ દર્શન માટે ૮૦ હજારથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

ગાંધીનગર: રાજ્યના ગૌરવ સમાન એશિયાઈ સિંહોના કુદરતી નિવાસસ્થાન એવા સૌરાષ્ટ્રના વિવિધ સફારી પાર્કમાં વર્ષ ૨૦૨૬ના દિવાળી વેકેશન દરમિયાન દેશ-વિદેશના પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો છે. વન વિભાગના આંકડા મુજબ ૯થી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યના વિવિધ સફારી પાર્કમાં એશિયાઈ સિંહ દર્શન માટે અંદાજે કુલ ૮૦,૦૦૦થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. જેના પરિણામે ગુજરાત વન વિભાગને રૂ. ૧.૫૯ કરોડથી વધુની આવક થવા સાથે સ્થાનિક રોજગારીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.દિવાળી વેકેશન દરમિયાન સૌથી વધુ ગીર અને દેવળીયા સફારી પાર્કમાં જીપ્સી અને બસ સફારી દ્વારા કુલ ૬૦,૬૬૧ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા, જેના થકી વન વિભાગને આશરે રૂ. ૧.૨૧ કરોડની આવક થઈ છે. ગત વર્ષ ૨૦૨૫માં આ આવક રૂ. ૧.૧૫ કરોડ રહી હતી, જેમાં આ વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત, જૂનાગઢના ગિરનાર નેચર સફારી, અમરેલીના આંબરડી સફારી પાર્ક અને પોરબંદરના બરડા સફારી ખાતે પણ પ્રવાસીઓની સંખ્યા અને આવકમાં મોટો ઉછાળો નોંધાયો છે. ૯થી ૧૫ નવેમ્બર દરમિયાન આ ત્રણેય સ્થળો પર કુલ ૨૦,૨૮૨ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જે ગત વર્ષના ૧૮,૧૧૪ પ્રવાસીઓની સરખામણીએ ૧૧.૯૭ ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે, આ ત્રણ સફારી પાર્કની આવક ગત વર્ષના રૂ. ૩૪ લાખથી ૧૧.૧૦ ટકા વધીને આ વર્ષે રૂ. ૩૮ લાખ પર પહોંચી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તથા વન મંત્રી અર્જુન મોઢવાડીયા અને રાજ્ય મંત્રી પ્રવિણ માળીના નેતૃત્વમાં સાસણગીર અને દેવળીયા ઉપરાંત આંબરડી અને બરડા જેવા વૈકલ્પિક પ્રવાસન સ્થળો તરફ પ્રવાસીઓનો ઝુકાવ વધ્યો છે. ખાસ કરીને ગિરનાર નેચર સફારીમાં પ્રવાસીઓની સંખ્યામાં ૬૮.૧૩ ટકાનો ઉછાળો ઈકો-ટુરિઝમની સફળતા દર્શાવે છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જીપ્સી ડ્રાઈવર્સ, નેચર ગાઈડ્સ, હોટલ-રિસોર્ટ, હોમ-સ્ટે, હસ્તકલાના કારીગરો અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો સ્થાનિક પરિવારોની આજીવિકામાં સીધો વધારો થયો છે.