મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના બંડા વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીં કથિત રીતે ઝેરી દારૂ પીવાના કારણે 11 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. બીતી રાત્રે દારૂનું સેવન કર્યા બાદ લોકોની તબિયત અચાનક લથડવા લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 11 લોકોએ દમ તોડી દીધો હતો.

એક પછી એક દર્દીઓ હોસ્પિટલ પહોંચતા તંત્ર હરકતમાં
સાગરના કલેક્ટર પ્રતિભા પાલના જણાવ્યા અનુસાર, મૃતકો પાટન, ગૂગરા, ચૌકા અને મગરધા ગામના રહેવાસી હતા. રાત્રે બંડા સિવિલ હોસ્પિટલમાં એકસાથે અનેક દર્દીઓ ઈમરજન્સીમાં આવવા લાગતા ડોક્ટરોએ તુરંત ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને SP અનુરાગ સુજાનિયા અને કલેક્ટર કાફલા સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા. સારવાર અર્થે આવેલા મોટાભાગના દર્દીઓ નશાની હાલતમાં હતા અને પરિજનોએ પણ દારૂ પીધા બાદ જ તબિયત બગડી હોવાનો આક્ષેપ કર્યો છે.

ગામડાઓમાં દારૂનો જથ્થો જપ્ત, તપાસના આદેશ
પ્રશાસને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ચારેય ગામોમાં પોલીસ અને મહેસૂલી ટીમો રવાના કરી દીધી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ દારૂનો જથ્થો જપ્ત કરી તેના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તંત્ર દ્વારા લોકોને હાલ કોઈ પણ પ્રકારનો દારૂ ન પીવા માટે કડક અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વહેલી તકે રિપોર્ટ સબમિટ કરવા નિર્દેશ અપાયા છે.
અગાઉ ગુજરાતના ભાવનગરમાં પણ સર્જાઈ હતી આવી જ દુર્ઘટના
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના ભાવનગર જિલ્લામાં પણ ઝેરી દારૂ પીવાથી 13 લોકોના મોત થયા હતા, જ્યાં પોલીસે કડક કાર્યવાહી કરીને 39થી વધુ લોકોની ધરપકડ કરી હતી. દારૂબંધી ધરાવતા રાજ્યો અને સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર અને ઝેરી દારૂનું વેચાણ માનવ જિંદગી માટે સતત મોટો ખતરો બની રહ્યું છે, ત્યારે મધ્ય પ્રદેશની આ ઘટનાએ ફરી એકવાર ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

