અમેરિકા-કેનેડા વચ્ચે ટ્રેડ ડીલ રદ, ટ્રમ્પે લગાવ્યો 50 ટકા ટેરિફ

વોશિંગ્ટનઃ અમેરિકા અને કેનેડા વચ્ચે ટ્રેડ ડીલને મુદ્દે ચાલી રહેલી વાતચીત તૂટી ગઈ છે અને નવા કરાર અંગે બંને દેશો વચ્ચે સહમતી બની શકી નથી. આ ગતિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે કેનેડાથી આયાત થતા લગભગ 20 અબજ ડોલરનાં ઉત્પાદનો પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવશે. બંને પડોશી દેશો વચ્ચે પહેલેથી જ ચાલી રહેલો રાજદ્વારી અને આર્થિક તણાવ વેપાર કરારને લઈને વધુ વધી ગયો છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચે લગભગ 880 અબજ ડોલરનો દ્વિપક્ષી વેપાર થયા હતા.

માર્ક કાર્નીએ અમેરિકા પર ટેરિફ લગાવવાના આપ્યા સંકેત

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ પણ અમેરિકા પર ટેરિફ લગાવવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું હતું કે કર્મચારીઓ અને વ્યવસાયોની સુરક્ષા માટે કેનેડા આ ટેરિફનો ડોલર સામે ડોલરના ધોરણે જવાબ આપશે. અમેરિકાના વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે શુક્રવારે મધરાતે અમેરિકાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે કેનેડાએ સપ્તાહની શરૂઆતમાં નક્કી થયેલી શરતોને આધારે કરારને અંતિમ સ્વરૂપ આપવાનો ઇનકાર કર્યો છે.

20 અબજ ડોલરના સામાન પર પડશે અસર

પ્રસ્તાવિત અમેરિકન ટેરિફ કેનેડાથી આવતા લગભગ 20 અબજ ડોલરના ઉત્પાદનોને અસર કરશે. તેમાં હોકી સ્ટિકથી લઈને તબીબી ઉપયોગમાં લેવાતા ટંગ ડિપ્રેસર સુધીના અનેક પ્રકારના સામાનનો સમાવેશ થાય છે. જોકે આ ટેરિફ કેનેડાના અમેરિકાને થતા કુલ નિકાસના માત્ર લગભગ પાંચ ટકા હિસ્સાને જ અસર કરશે, પરંતુ તેની રાજકીય અસર ઘણી મોટી માનવામાં આવી રહી છે.

જૂનાં વચનોથી પીછેહઠ કરવાનો આરોપ

ગ્રીરના જણાવ્યાનુસાર અમેરિકાએ કેનેડાને પોતાના બજારમાં કોઈ પણ મોટા નિકાસકાર દેશની સરખામણીએ સૌથી અનુકૂળ શરતો ઓફર કરી હતી, પરંતુ કેનેડાએ નવી માગો રજૂ કરી અને પોતાના જૂનાં વચનોથી પીછેહઠ કરી હતી. વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું હતું કે અમેરિકાએ વાટાઘાટોના અંતિમ તબક્કામાં જે શરતો મૂકી હતી તે સંપૂર્ણપણે અયોગ્ય અને કેનેડાને આર્થિક નુકસાન પહોંચાડનારી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકી પ્રશાસનના આ વલણે કોઈ પણ દ્વિપક્ષી કરારની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમણે ડોલર સામે ડોલરને ધોરણે જવાબ આપવાની પણ વાત કરી છે.