નવી દિલ્હીઃ દિલ્હીના વેપારીઓની સંસ્થા કિરાના કમિટીની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ અરજીમાં તહેવારોની મોસમ દરમિયાન મધ્ય દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. વેપારીઓનું કહેવું છે કે ધરણાં-પ્રદર્શનો અને રેલીઓને કારણે તેમના વેપાર અને અધિકારો પર અસર પડી રહી છે.
વેપારીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનો અને રેલીઓને કારણે અંદાજે 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
‘વિરોધ પ્રદર્શન માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર’
મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે છેલ્લાં 80 વર્ષમાં દિલ્હીમાં ઘણો બદલાવ આવ્યો છે. જંતર-મંતર અને રામલીલા મેદાન જેવા વિસ્તારોની આસપાસ હવે મોટી સંખ્યામાં લોકો રહે છે. ત્યાં હોસ્પિટલો પણ આવેલી છે અને આશરે 50 લાખ લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શનો માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર છે, જેથી સામાન્ય લોકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
CJI સૂર્યકાંતે કેસમાં અન્ય સંગઠનોને પક્ષકાર બનાવવાનું સૂચન કર્યું
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું હતું કે જે સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું છે, તેમને પણ આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવે. તેમનો પક્ષ સાંભળ્યા વિના અદાલત કોઈ નિર્ણય લઈ શકે નહીં. તેમણે એમ પણ કહ્યું કે વિરોધ પ્રદર્શનની મંજૂરી આપતાં અથવા નકારતા આદેશમાં તેનું સ્પષ્ટ કારણ જણાવવું જોઈએ. કોઈ પણ સંગઠન પોતે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે તે કહીને અન્ય લોકોને રોકી શકે નહીં.
તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે CJPને વિરોધ પ્રદર્શન માટે માત્ર એક દિવસની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સંગઠને 17 દિવસ સુધી તે સ્થળ પર કબજો જમાવી રાખ્યો હતો. પ્રદર્શનકારીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈને પણ મંજૂરી વિના સંસદ કે સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાની પરવાનગી આપી શકાય નહીં. અંતમાં વેપારીઓ તરફથી મુકુલ રોહતગીએ માગ કરી હતી કે આગામી બે મહિના સુધી કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શન કે ધરણાં યોજવાની મંજૂરી આપવામાં ન આવે, કારણ કે તેના કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.




