ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી વિસ્તારમાં THDC ની વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની ટનલમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટનલની અંદર કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક મોટો કાદવ-કાંપ અને પાણી ધસી આવવાના કારણે આશરે 22 મજૂરો અંદર જ ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

20 મજૂરોને બહાર કઢાયા, 7 ના મોત
THDC ના પ્રોજેક્ટ મેનેજરે જણાવ્યા મુજબ, જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ટનલની અંદર કુલ 22 લોકો હાજર હતા. શરૂઆતી રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 20 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જોકે, કમનસીબે બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી 7 મજૂરોના મોત નીપજ્યા છે, જ્યારે 14 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતકો અને ઘાયલોની ઓળખ
વહીવટીતંત્રે આપેલી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોમાં 1-1 વ્યક્તિ ઉત્તરાખંડના ટિહરી અને ચમોલી જિલ્લાના વતની છે, જ્યારે બાકીના તમામ મૃતકો બિહાર અને ઝારખંડના રહેવાસી છે. બીજી તરફ, ઘાયલ થયેલા 14 મજૂરોમાં મોટાભાગના લોકો ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના રહેવાસી છે. આ ઉપરાંત ઘાયલોમાં 1 વ્યક્તિ પંજાબનો અને 1 વ્યક્તિ હિમાચલ પ્રદેશનો વતની હોવાની ઓળખ થઈ છે.
પાણી અને કાદવ વધતાં રેસ્ક્યૂ ઓપરેશન સ્થગિત
તાજા અહેવાલો મુજબ, બચાવ ટીમે વધુ 2 લોકોને ટ્રેસ કરી લીધા હતા અને ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના વિડીયો પણ સામે આવ્યા હતા. પરંતુ ટનલની અંદર પાણી અને કાદવનું સ્તર સતત વધી રહ્યું હોવાના કારણે હાલ પૂરતું રેસ્ક્યૂ ઓપરેશન સ્થગિત કરી દેવામાં આવ્યું છે. અધિકૃત આંકડાઓ અનુસાર, 1 મજૂર હજુ પણ લાપતા છે, જેની શોધખોળ અને બાકીના લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી સ્થિતિ સામાન્ય થતાં જ ફરી શરૂ કરવામાં આવશે.

