‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના ફાઉન્ડર અભિજીત દીપકે પર એક તરફ રાજકીય અને પોલીસ કાર્યવાહીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો બીજી તરફ તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. દિલ્હીમાં જંતર-મંતર ખાતે પ્રસ્તાવિત પ્રદર્શનમાં સામેલ થવા પહોંચેલા અભિજીત દીપકેની દિલ્હી પોલીસે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર ફ્લાઇટની અંદરથી જ અટકાયત કરી લીધી હતી. આ કસ્ટડી દરમિયાન જ તેમના પૈતૃક ગામ મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના સંતુક પિમ્પરી ખાતેથી માઠા સમાચાર આવ્યા હતા કે તેમના 85 વર્ષીય દાદી સાવિત્રીબાઈ શંકર દીપકેનું ઉંમર સંબંધિત બીમારીના કારણે અવસાન થયું છે.

ફ્લાઇટની અંદરથી જ અટકાયત, ઇન્સ્ટાગ્રામ લાઇવ કરી વિરોધ નોંધાવ્યો
શનિવારે સવારે અભિજીત દીપકે પોતાના સહયોગીઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે દિલ્હી પહોંચ્યા હતા. વિમાન રનવે પર લેન્ડ થયું કે તરત જ દિલ્હી પોલીસની ટીમ ફ્લાઇટની અંદર દાખલ થઈ ગઈ હતી. વિમાનમાંથી બહાર નીકળે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અભિજીત દીપકેએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી લાઇવ વીડિયો શરૂ કરી દીધો હતો. વીડિયોમાં CJP નેતાઓ અને પોલીસ વચ્ચે તીખી બહેસ થતી જોઈ શકાતી હતી. દીપકેએ પોલીસને સવાલ કર્યો હતો કે તેઓ વિમાનમાંથી બહાર જવાની રાહ કેમ ન જોઈ શક્યા. તેમણે ઉમેર્યું હતું કે તેઓ જેલ કે અટકાયતથી ડરતા નથી, જેના બાદ પોલીસ તેમને એરપોર્ટથી અજ્ઞાત સ્થળે લઈ ગઈ હતી.
CJP એ કરી આકરા શબ્દોમાં નિંદા
આ કાર્યવાહી અંગે CJP એ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે, “દિલ્હી પોલીસનું આ પગલું પૂર્વ-આયોજિત હતું. તેનો હેતુ શાંતિપૂર્ણ પ્રદર્શનના નેતાઓને સ્થળ પર પહોંચતા રોકવાનો અને આંદોલનને નબળું પાડવાનો છે. CJP મુક્તપણે હરવા-ફરવાના નાગરિક અધિકારના આ ઉલ્લંઘનની સખત શબ્દોમાં નિંદા કરે છે અને અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની તાત્કાલિક તથા બિનશરતી મુક્તિની માંગ કરે છે.”
ધ્રુવ રાઠી અને રત્ના સિંહ પણ નજરકેદ
ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શનને ડામવા માટે દિલ્હી પોલીસે અગાઉથી જ મોટો મોરચો ખોલ્યો હતો. સવારના સમયે જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી અને CJP ની લીગલ સેલના હેડ રત્ના સિંહને પણ પ્રદર્શન સ્થળે પહોંચતા રોકવા માટે તેમના નિવાસસ્થાને જ નજરકેદ (ડિટેન) કરી દેવામાં આવ્યા હતા.




