આસામના કાઝીરંગા નેશનલ પાર્ક નજીક શુક્રવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે-715 પર એક મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસને આશંકા છે કે મૃતકોનો આંકડો વધી શકે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના કોહોરા રેન્જ હેઠળ આવતા હાથીકુલી ટી એસ્ટેટ નજીક રંગાજાન વિસ્તારમાં બની હતી. મુસાફરોથી ભરેલી મિની બસ સામેથી આવી રહેલા કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
ગોલાઘાટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સ્વપ્નનીલ ડેકાએ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયા છે. પોલીસ અને બચાવદળની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને બસમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. બસમાં કુલ કેટલા મુસાફરો સવાર હતા તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.
મંત્રી અતુલ બોરા ઘટનાસ્થળે પહોંચ્યા
અકસ્માની જાણ થતાં જ આસામના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય અતુલ બોરા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ રાહત અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. ઘાયલોને કોહોરા મોડલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ઝડપી ગતિને કારણે અકસ્માત સર્જાયાની આશંકા
ગોલાઘાટના SSP સ્વપ્નનીલ ડેકાના જણાવ્યા અનુસાર, મિની બસ ખૂબ જ ઝડપે દોડી રહી હતી અને નેશનલ પાર્કની આસપાસ લાગુ ગતિમર્યાદાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. પ્રાથમિક તપાસમાં એવી આશંકા છે કે વધુ ઝડપને કારણે બસચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી. જોકે, પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બીજી તરફ, મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં નેશનલ હાઇવે પર દેવરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગોપાલપુરા નજીક ટ્રક અને SUV વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં SUVમાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.






