નેપાળમાં ગોઝારો અકસ્માત: ઇલેક્ટ્રિક વાન ખીણમાં ખાબકી, 10નાં મોત અને 5 ઘાયલ

કાઠમંડુ: નેપાળના મકવાનપુર જિલ્લામાં ગુરુવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાઠમંડુથી સર્લાહી તરફ જઈ રહેલી મુસાફરોથી ભરેલી એક ઇલેક્ટ્રિક વાન બેકાબૂ થઈને અંદાજે 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

વળાંક પાસે વાન બેકાબૂ થઈ ખીણમાં ખાબકી

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ભીમફેદી ગામપાલિકા-6 વિસ્તારમાં ચિસાપાની ગઢી નજીક થયો હતો. એક ઇલેક્ટ્રિક વાન કાઠમંડુથી સર્લાહી તરફ જઈ રહી હતી.આ દરમિયાન ભીમફેદી-કુલેંખાની-કાઠમંડુ માર્ગ પર ચિસાપાની ગઢી પાસે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. ત્યારબાદ વાન રસ્તા પરથી લગભગ 500 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ભારે જાનહાનિ થઈ હતી.

ત્રણ વર્ષના બાળક સહિત પાંચ લોકો ઘાયલ

અકસમાતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોમાં સર્લાહી જિલ્લાના ચક્રઘટ્ટા ગામપાલિકા-4 સુંદરપુરટોલના 33 વર્ષીય મુકેશ યાદવ, પાંચ વર્ષીય સક્ષમ કુમાર યાદવ અને ત્રણ વર્ષીય સુદન યાદવનો સમાવેશ થાય છે.

હેટૌડા હોસ્પિટલમાં દાખલ મુકેશ યાદવના માથા અને પીઠમાં ઈજાઓ થઈ છે. જ્યારે પાંચ વર્ષીય સક્ષમ કુમાર યાદવને શરીરમાં આંતરિક ઈજાઓ પહોંચી છે. બંનેની હાલત સામાન્ય હોવાનું જણાવાયું છે.બીજી તરફ, ત્રણ વર્ષીય સુદન યાદવના માથા અને મોઢા પર ઈજાઓ થઈ છે. તેમની સ્થિતિ મધ્યમ હોવાનું જણાવવામાં આવ્યું છે.

રાહત અને બચાવ કામગીરી શરૂ

નેપાળ સશસ્ત્ર પોલીસ દળના સહપ્રવક્તા શૈલેન્દ્ર થાપાએ અકસ્માતની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કુલ 10 લોકોનાં મોત થયાં છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.અકસ્માત બાદ સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ અકસ્માત કયા કારણોસર થયો તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.