પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ફાટી નીકળેલી રાજકીય હિંસાએ વધુ એક ભયાનક વળાંક લીધો છે. બુધવારની મોડી સાંજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના સાથી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના મધ્યગ્રામ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. હુમલાખોરોએ ચંદ્રનાથની કારને અધવચ્ચે રોકીને તેના પર ચાર રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો.

પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથ રથ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય એક વાહને તેમનો પીછો કર્યો હતો. હુમલાખોરોએ ફિલ્મી સ્ટાઈલમાં કારને ઓવરટેક કરીને રસ્તો રોક્યો અને તક મળતા જ તાબડતોબ ગોળીબાર શરૂ કરી દીધો. ચંદ્રનાથને છાતી અને માથાના ભાગે ગોળીઓ વાગી હતી, જ્યારે તેમના ડ્રાઈવર પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા જ શુભેન્દુ અધિકારી પોતે હોસ્પિટલ પહોંચ્યા હતા અને ચંદ્રનાથના અવસાનની પુષ્ટિ કરી હતી. આ હત્યાને ૨૦૨૬ની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ થઈ રહેલી રાજકીય હિંસા સાથે જોડવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે ૨૯૪માંથી ૨૦૭ બેઠકો જીતીને મમતા બેનર્જીના ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો છે. શુભેન્દુ અધિકારીએ પોતે મમતા બેનર્જીને તેમના ગઢ ગણાતા ભવાનીપુરમાં પરાજય આપ્યો છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે ચૂંટણીમાં કારમી હારથી લઘુતાગ્રંથિ અનુભવતી તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે હિંસાનો સહારો લઈ રહી છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે આ હત્યા પાછળ TMC ના ગુંડાઓનો હાથ છે. બીજી તરફ, સાઉથ ૨૪ પરગણાના કેનિંગ અને નારાયણપુર જેવા વિસ્તારોમાં પણ હિંસાના અહેવાલો છે, જ્યાં પોલીસ અને કેન્દ્રીય દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

