જાણીતા ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું બાઇક અકસ્માતમાં કરૂણ મોત

ગુજરાતના સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ સ્પેસમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પોતાના અનોખા અંદાજ અને વિડીયો કન્ટેન્ટથી લાખો લોકોના દિલ જીતનાર જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ‘ગુજ્જુ લવ ગુરુ’ એટલે કે ચંદન રાઠોડનું માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન થયું છે. મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ચંદન રાઠોડ પોતાની બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ભાભર ગૌશાળા નજીક અચાનક બાઇક પરથી નિયંત્રણ ગુમાવતાં તેઓ રસ્તા પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં તેમને શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો કઈ સમજે તે પહેલાં જ ઘટનાસ્થળે તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

અકસ્માતના કારણો અંગે પોલીસ તપાસ શરૂ

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. ચંદન રાઠોડ બાઇક પરથી કયા સંજોગોમાં નીચે પડ્યા, કોઈ વાહનની ટક્કર વાગી હતી કે રસ્તાના ખાડા કે અન્ય કારણોસર બાઇક સ્લિપ થયું હતું તે તમામ પાસાઓ પર પોલીસ હાલમાં ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

ચંદન રાઠોડની ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકેની સફર

ચંદન રાઠોડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ‘ગુજ્જુ લવ ગુરુ’ ના ઉપનામથી કન્ટેન્ટ બનાવતા હતા. પોતાના અલગ અંદાજ, સંવાદો અને મનોરંજક શૈલીને કારણે તેમણે ખૂબ જ ટૂંકા સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો હતો. તેમના અચાનક વિદાયના સમાચાર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકો અને અન્ય ઇન્ફ્લુએન્સર્સ દ્વારા તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.