મુંબઈઃ વર્ષ 2006ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં લગભગ 19 વર્ષ બાદ આજે બોમ્બે હાઇકોર્ટે નીચલી કોર્ટે દોષિત ઠેરવેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ વિસ્ફોટમાં 189 લોકોનાં મોત થયાં હતાં અને 800થી વધુ લોકો ઘાયલ થયા હતા. વર્ષ 2015માં નીચલી કોર્ટે આ 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા, જેમાંથી પાંચને ફાંસીની અને બાકીના આઠને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ન્યાયમૂર્તિ અનિલ કિલોર અને ન્યાયમૂર્તિ શ્યામ ચાંડકની ખંડપીઠે જણાવ્યું હતું કે આરોપીઓને દોષિત સાબિત કરવા પ્રોસિક્યુશન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. કોર્ટે પ્રોસિક્યુશનના લગભગ તમામ સાક્ષીઓનાં નિવેદનોને અવિશ્વસનીય ગણાવ્યાં છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે વિસ્ફોટ પછી લગભગ 100 દિવસ બાદ પણ ટેક્સી ડ્રાઈવર અથવા અન્ય લોકોને આરોપીઓને યાદ રાખવાનું કોઈ યોગ્ય કારણસ નથી.

મામલો શો હતો?
મુંબઈમાં 11 જુલાઈ 2006એ વિવિધ લોકલ ટ્રેનોમાં સિલસિલાવાર રીતે બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં 189 લોકો મોત થયાં હતાં અને 824 લોકો ઘાયલ થયા હતા. મકોકા કાયદા હેઠળ ચાલેલી લાંબી કાર્યવાહી બાદ ઓક્ટોબર 2015માં સ્પેશિયલ કોર્ટે પાંચ આરોપીઓને ફાંસીની અને સાતને આજીવન કેદની સજા ફટકારી હતી.
ફાંસીની સજા મેળવનાર આરોપીઓમાં કમાલ અન્સારી, મોહમ્મદ ફૈઝલ અતાઉર રહેમાન શેખ, એહતેશામ કૂતુબુદ્દીન સિદ્દીકી, નવીદ હુસેન ખાન અને આસિફ ખાનનો સમાવેશ થતો હતો. આ તમામને ટ્રેનમાં બોમ્બ લગાવવાના દોષી ઠેરવવામાં આવ્યા હતા.


