ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે 6 થી 8 ઓગસ્ટ 2026 દરમિયાન આયોજિત ‘ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ફેર (TTF) 2026’નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો. આ ઉદ્ઘાટન પ્રસંગે ગોવાના પ્રવાસન મંત્રી રોહન ખાઉંટે અને ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં આયોજિત થતો આ ફેર B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશન તરીકે રાજ્યની ટૂરિઝમ ઈકોસિસ્ટમને વેગ આપવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. આ પ્લેટફોર્મ દેશભરના પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા, વ્યાવસાયિક સહભાગીતા વધારવા અને ટૂરિઝમ સેક્ટરના સ્ટેક હોલ્ડર્સને એકબીજા સાથે જોડવાનું મજબૂત માધ્યમ બન્યું છે.
ગુજરાત સરકારે વર્ષ 2026ને ‘પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. તે સંદર્ભમાં રાજ્યના વૈવિધ્યસભર પ્રવાસન સ્થળો અને પ્રવાસન વિકાસની નવી તકોને વૈશ્વિક સ્તરે પ્રભાવક રીતે રજૂ કરવામાં આ ફેર એક મહત્વપૂર્ણ પ્રેરક બળ સાબિત થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ના વિઝનને સાકાર કરતા આ ટ્રાવેલ એન્ડ ટ્રેડ ફેર-2026માં 900થી વધુ એક્ઝિબિટર્સ સહિત દેશના વિવિધ રાજ્યોના પ્રવાસન વિભાગો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.
ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ અન્ય મહાનુભાવોએ એક્ઝિબિશન એરિયાની મુલાકાત લીધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને ગોવા સહિત વિવિધ રાજ્યોના સ્ટોલ્સની મુલાકાત લઈ સ્ટોલ ધારકો સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો અને સંબંધિત રાજ્યોની નવી પ્રવાસન પ્રોત્સાહન યોજનાઓ અંગેની વિગતો મેળવી હતી.




