નવી દિલ્હીઃ કેરળમાં TRPને નામે દર્શકોની આંખોમાં ધૂળ ઝોકવાની ઘટના સામે આવી છે. ટીવી રેટિંગ વધારવા માટે એક મોટા સ્કેમનો પર્દાફાશ થયો છે. આ સ્કેમમાં કેરળની એક ટીવી ચેનલના માલિક સાથે BARCનો કર્મચારી પણ સામેલ હતો. કેરળમાં TRP હેરાફેરીનો મોટો કિસ્સો બહાર આવ્યો છે, જેમાં 100 કરોડના TRP સ્કેમનો ખુલાસો થયો છે. તેમાં કેરળ ટીવી ચેનલના માલિક અને BARC કર્મચારી વચ્ચે સાઠગાંઠ હોવાનું બહાર આવ્યું છે.
આ તપાસમાં ખૂલ્યું છે કે BARCનો કર્મચારી પૈસા લઈ રેટિંગ મીટર્સની માહિતી આપી દેતો હતો. મીટર આવેલા વિસ્તારોમાં તે ચેનલને લેન્ડિંગ પેજ પર બતાવવામાં આવતું હતું. આથી ચેનલનું રેટિંગ વધતું અને રેટિંગ વધારીને જાહેરાતો મેળવવાનો ખેલ ચાલુ હતો. કેરળ પોલીસે તપાસમાં પુરાવા પણ મેળવ્યા છે. કેરળ પોલીસે જણાવ્યું છે કે આ 100 કરોડ રૂપિયાનું સ્કેમ છે.
આ સ્કેમમાં વોટ્સએપ ચેટ અને ક્રિપ્ટોની મદદથી પૈસા લેવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. કેરળ ટેલીવિઝન ફેડરેશને તેની ફરિયાદ કરી હતી. ટીવી જાહેરાત ઉદ્યોગ લગભગ 50,000 કરોડ રૂપિયાનો છે. મલેશિયા અને થાઈલેન્ડમાં ફોન ફાર્મિંગનો કેસ પણ સામે આવ્યો છે. ફોન ફાર્મિંગ દ્વારા યુટ્યુબના વ્યૂઝ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.
મનમાની રેટિંગના ખેલ પર લગામની તૈયારી
મનમાની રેટિંગને રોકવા માટે સરકારે રેટિંગ સિસ્ટમમાં સુધારા માટે ડ્રાફ્ટ જાહેર કર્યો છે. તેમાં એજન્સીને ઓછામાં ઓછા 1,20,000 મીટર લગાવવાનાં રહેશે. લેન્ડિંગ પેજનું રેટિંગ માન્ય ગણાશે નહીં. કોઈ પણ બ્રોડકાસ્ટર રેટિંગ એજન્સીમાં 20 ટકાથી વધુ હિસ્સેદારી રાખી શકશે નહીં. આ અંગે સરકારે ઈન્ડસ્ટ્રી પાસેથી 5 ડિસેમ્બર સુધી સૂચનો માગ્યાં છે.




