અમેરિકા: વીઝા ફ્રોડ અને સ્થાનિક અમેરિકનોની રોજગારીની સુરક્ષાના નામે અમેરિકા સરકારે મોટો નિર્ણય કર્યો છે. TCS, ઈન્ફોસિસ અને માઈક્રોસોફ્ટ સહિત 8 દિગ્ગજ IT કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ પ્રક્રિયા પર મોટો પ્રહાર કરતા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસિસ, વિપ્રો અને HCLTech જેવી ભારતીય IT કંપનીઓ ઉપરાંત માઈક્રોસોફ્ટ, એડોબ, કોગ્નિઝન્ટ અને કેપજેમિની સહિતની 8 અગ્રણી IT કંપનીઓ માટે પર્મેનન્ટ લેબર સર્ટિફિકેશન (PERM) પ્રોગ્રામની એક્સેસ સ્થગિત કરી દીધી છે.
અમેરિકી તંત્રના આ નિર્ણયને કારણે આ કંપનીઓ દ્વારા દાખલ કરવામાં આવતી નવી PERM અરજીઓ પર બ્રેક લાગી ગઈ છે અને પેન્ડિંગ રહેલી અરજીઓ પર પણ સ્ટે આવી ગયો છે. આ પગલાથી વિદેશી કર્મચારીઓ માટે એમ્પ્લોયમેન્ટ-બેઝ્ડ ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં ભારે વિલંબ થશે. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, આ કંપનીઓ વિઝા પ્રોસેસમાં ગડબડ કરવા તેમજ સ્થાનિક અમેરિકી કર્મચારીઓને સ્થાને વિદેશી વર્કર્સને ગોઠવવાના આરોપો હેઠળ તપાસ હેઠળ છે. તેમણે કોંગ્રેસને H-1B વીઝા સિસ્ટમમાં તાત્કાલિક સુધારા કરવાની પણ હાકલ કરી છે.
જોકે, આ કાર્યવાહીનો જવાબ આપતા TCSએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથી તેની વર્કફોર્સ સ્ટ્રેટેજી કે ક્લાયન્ટ સર્વિસને કોઈ મોટી અસર નહીં થાય, કારણ કે છેલ્લા બે વર્ષથી તેમની PERM અરજીઓ સિંગલ ડિજિટમાં જ હતી. આ સિવાય પહેલાથી જ મંજૂર થયેલી PERM અરજીઓ અને હાલના H-1B વીઝા પર આ નિર્ણયની કોઈ નકારાત્મક અસર થશે નહીં. ગ્રીન કાર્ડ માટેનો માર્ગ રોકાતા હવે આ IT કંપનીઓ L-1 ઈન્ટ્રા-કંપની ટ્રાન્સફર અથવા સ્થાનિક અમેરિકી કર્મચારીઓની ભરતી વધારવા જેવા અન્ય વિકલ્પો પર વિચાર કરી શકે છે.




