‘સવારના 6 વાગ્યે ટ્રમ્પે કહ્યું- PM મોદીને ફોન લગાવો’

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે યુએસ-ઇન્ડિયા ટ્રેડ ડીલ (US-India Trade Deal) અંગે ચાલી રહેલા સસ્પેન્સ પર એક મોટું નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું છે કે આ મહત્વપૂર્ણ વ્યાપારી સમજૂતી હવે તેના અંતિમ તબક્કામાં છે. આ સાથે જ ગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના મજબૂત અને ગાઢ સંબંધોનો ઉલ્લેખ કરીને એક ખૂબ જ રસપ્રદ કિસ્સો શેર કર્યો છે, જેમાં ટ્રમ્પે અચાનક ભારતમાં સવારના 6 વાગ્યે જ પીએમ મોદીને ફોન જોડવા માટે કહી દીધું હતું.

યુએફસી ઇવેન્ટનો એ રસપ્રદ કિસ્સો

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે 29 June ના રોજ ‘અમેરિકા-ભારત સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ’ (USISPF) માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે મિયામીમાં આયોજિત એક UFC (અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ) પ્રોગ્રામમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિતાવેલી એક સાંજને યાદ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના અદભુત તાલમેલને દર્શાવતો કિસ્સો સંભળાવતા તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે અચાનક જ બેકસ્ટેજ પર પીએમ મોદીને ફોન કરવાનું કહી દીધું. આ સાંભળીને સર્જિયો ગોર પોતે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે તુરંત જ અમેરિકી રાષ્ટ્રપતિને ધ્યાન દોરતા કહ્યું, ‘સર, અત્યારે ભારતમાં સવારના 6 વાગી રહ્યા હશે.’ આ વાત પર ટ્રમ્પે ખૂબ જ સહજતાથી અને આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, ‘તેઓ જાગતા જ હશે. તેઓ બિલકુલ મારી જેમ જ છે.’ જો કે, વ્યસ્તતાને કારણે આ ફોન કોલ બાદમાં આગામી દિવસ માટે શેડ્યૂલ કરવામાં આવ્યો હતો.

પ્રોટોકોલ વગરની સાચી દોસ્તી

અમેરિકી રાજદૂતે આ ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આનાથી સાબિત થાય છે કે બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે કેટલો ગાઢ અને મજબૂત સબંધ છે. ગોરે ઉમેર્યું, “જ્યારે તમે કોઈના સાચા મિત્ર હોવ છો, ત્યારે કોઈ પણ વસ્તુ અગાઉથી નક્કી (Protocol) કરવાની જરૂર નથી હોતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો સંબંધ આ જ પ્રકારની અતૂટ દોસ્તીનું ઉદાહરણ છે.”

ટ્રમ્પ પાસે છે ભારતની સુંદર યાદો

રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે વાત કરતા રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે, તેઓ ભારત સાથેના સંબંધોમાં વ્યક્તિગત (Personal) રીતે જોડાયેલા છે. અમેરિકા હંમેશા ભારત સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. આપણી પાસે એક એવા રાષ્ટ્રપતિ છે જે આ દ્વિપક્ષીય સંબંધોની ખૂબ કાળજી રાખે છે. ટ્રમ્પ પાસે તેમના ભારત પ્રવાસની ખૂબ જ સુંદર અને વ્હાલી યાદો છે. ભારતનો પ્રવાસ તેમના જીવનના સૌથી ખાસ પ્રવાસોમાંથી એક હતો, જેના વિશે તેઓ અવારનવાર વાતો કરતા રહે છે.