ટ્રમ્પે કર્યું પેટન્ટ દવાઓ પર 100 ટકા ટેરિફનું એલાન

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ કેટલીક પેટન્ટ દવાઓ પર 100 ટકા સુધી ટેરિફ લગાવવામાં આવે એવી શક્યતા છે. આ ટેરિફ તે કંપનીઓ પર લાગુ થશે જે આવનારા મહિનાઓમાં તેમની સરકાર સાથે સમજૂતી નહીં કરે.

જે કંપનીઓએ “મોસ્ટ ફેવર્ડ નેશન” પ્રાઇસિંગ ડીલ કરી છે અને અમેરિકા ખાતે પેટન્ટ દવાઓ તથા તેના કાચા માલના ઉત્પાદન માટે ફેક્ટરી સ્થાપી રહી છે, તેમને કોઈ ટેરિફ લાગશે નહીં. જ્યારે પ્રાઇસિંગ ડીલ કર્યા વગર અમેરિકામાં ઉત્પાદન શરૂ કરતી કંપનીઓ પર શરૂઆતમાં 20 ટકા ટેરિફ લાગશે, જે ચાર વર્ષમાં વધીને 100 ટકા સુધી પહોંચશે.

રાષ્ટ્રીય સુરક્ષા હેઠળ લેવામાં આવ્યું પગલું

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કંપનીઓ પાસે હજુ ચર્ચા માટે સમય છે. મોટી કંપનીઓને 120 દિવસ અને અન્ય કંપનીઓને 180 દિવસનો સમય આપવામાં આવ્યો છે, ત્યાર બાદ 100 ટકા ટેરિફ લાગુ થઈ શકે છે. અધિકારીએ કઈ કંપનીઓ અથવા કઈ દવાઓ પર ટેરિફ લાગશે તેની માહિતી આપી નથી, પરંતુ જણાવ્યું હતું કે સરકાર પહેલેથી જ મોટી દવા કંપનીઓ સાથે 17 કિંમત સમજૂતીઓ કરી ચૂકી છે, જેમાંથી 13 પર સહી થઈ ગઈ છે.

ફાર્મા ઉદ્યોગે વ્યક્ત કરી ચિંતા

આ નવા નિર્ણયના સંભવિત પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. દવા ઉદ્યોગ સંગઠન  ફાર્મા (PHRM)ના CEO સ્ટીફન જે. ઉબલે જણાવ્યું હતું કે અદ્યતન દવાઓ પર ટેક્સ લગાવવાથી ખર્ચ વધશે અને અમેરિકામાં અબજો ડોલરના રોકાણ પર અસર પડી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકામાં પહેલેથી જ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગનો મોટો આધાર છે અને અન્ય દેશોમાંથી આવતી ઘણી દવાઓ વિશ્વસનીય સહયોગી દેશોમાંથી આવે છે.

ટ્રમ્પના નિર્ણયની મુખ્ય બાબતો

  • અમેરિકા દ્વારા પેટન્ટ દવાઓ પર 100 ટકા સુધી ટેરિફની જાહેરાત
  • સરકાર સાથે કિંમત સમજૂતી ન કરનાર કંપનીઓ પર ટેરિફ લાગશે
  • સમજૂતી + અમેરિકામાં ઉત્પાદન કરતી કંપનીઓ માટે 0% ટેરિફ
  • સમજૂતી વગરની કંપનીઓ માટે પહેલા 20 ટકા, પછી 4 વર્ષમાં 100 ટકા ટેરિફ