ટ્રમ્પની જેનેરિક દવાઓ પર 200 ટકા સુધીના ટેરિફની જાહેરાત

વોશિંગ્ટનઃ અમેરિકાએ ઓગસ્ટ, 2028થી અમેરિકામાં આયાત થતી જેનેરિક દવાઓ પર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યાનુસાર આ પગલાનો મુખ્ય ઉદ્દેશ જેનેરિક ફાર્માસ્યુટિકલ દવાઓનું ઉત્પાદન અમેરિકામાં કરાવવાનું છે. જોકે આ નિર્ણયનો સૌથી વધુ પ્રભાવ ભારત પર પડી શકે છે, કારણ કે ભારત અમેરિકા માટે જેનેરિક દવાઓનો સૌથી મોટો નિકાસકાર છે.

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “ટ્રુથ સોશિયલ” પર લખ્યું કે આ તબક્કાવાર ટેરિફ યોજના 1 ઓગસ્ટ, 2026થી અમલમાં આવશે. શરૂઆતનાં બે વર્ષ, એટલે કે 2026થી 2028 સુધી, અમેરિકા આયાત થતી તમામ જેનેરિક દવાઓ પર ઝીરો ટકા ટેરિફ રહેશે. ત્યાર બાદ ત્રીજા વર્ષે ટેરિફ 100 ટકા કરવામાં આવશે અને પછી તેને વધારીને 200 ટકા સુધી લઈ જવામાં આવશે.

ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું હતું કે પહેલી ઓગસ્ટ, 2026થી અમેરિકામાં આવતી તમામ જેનેરિક દવાઓ પર બે વર્ષ સુધી શૂન્ય ટકા ટેરિફ રહેશે. ત્યાર બાદ એક વર્ષ માટે ટેરિફ 100 ટકા કરવામાં આવશે અને પછી તેને 200 ટકા સુધી વધારવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પગલું જેનેરિક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનને ફરી અમેરિકા પરત લાવવા માટે લેવામાં આવી રહ્યું છે. જે કંપનીઓ નિર્ધારિત સમયમર્યાદામાં અમેરિકામાં પ્લાન્ટ અને સાધનો સ્થાપિત નહીં કરે, તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પગલાનો ભારત પર શું પ્રભાવ પડશે?

ભારતને ઘણી વાર “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે વિશ્વભરના દેશોને મોટા પ્રમાણમાં જેનેરિક દવાઓ સપ્લાય કરે છે. અમેરિકામાં વોલ્યુમને આધારે ભારતીય જેનેરિક દવાઓનો હિસ્સો લગભગ 40 ટકા છે. ‘ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ’ની એક રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ભારતે અમેરિકાને 9.7 અબજ ડોલરની ફાર્માસ્યુટિકલ દવાઓની નિકાસ કરી હતી. આ ભારતના કુલ 25.8 અબજ ડોલરના વૈશ્વિક ફાર્મા નિકાસનો લગભગ 38 ટકા હિસ્સો હતો.

ફાર્મા સપ્લાયર્સ પર ટેરિફ લગાવવાની ટ્રમ્પની અગાઉની ધમકીઓએ પણ ભારતમાંથી જતી સસ્તી દવાઓના પુરવઠા માટે જોખમ ઊભું કર્યું હતું. ભારતમાં ઉત્પાદિત જેનેરિક દવાઓ હાઇ બ્લડ પ્રેશર, ડિપ્રેશન, ડાયાબિટીસ, કેન્સર, ચેપી રોગો અને માનસિક આરોગ્ય સંબંધિત અનેક બીમારીઓની સારવાર માટે અમેરિકામાં મોટા પ્રમાણમાં ડોક્ટરો દ્વારા લખવામાં આવે છે.