અમેરિકા: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ચૂંટણી સુધારા માટે ‘SAVE America Act’ પાસ કરવાની તેમની માંગને વધુ મજબૂત બનાવી છે. આ કાયદા હેઠળ અમેરિકન ચૂંટણીઓમાં કડક મતદાર ઓળખપત્ર (Voter ID) અને નાગરિકતાના પુરાવા ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ છે. પોતાના આ દાવાને સમર્થન આપવા માટે ટ્રમ્પે ભારતની ચુંટણી પ્રક્રિયાનું ઉદાહરણ આપ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર લખતા ટ્રમ્પે જણાવ્યું કે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે તાજેતરમાં તેમના વહીવટીતંત્રને પૂછ્યું હતું કે, “અમેરિકામાં માન્ય ફોટો ઓળખપત્ર વિના ચૂંટણી કેવી રીતે યોજી શકાય?”
ટ્રમ્પે દાવો કર્યો કે ભારતની છેલ્લી લોકસભા ચૂંટણીમાં 64.6 કરોડ લોકોએ મતદાન કર્યું હતું, જેમાંથી 1% કરતાં પણ ઓછા લોકોએ મેઇલ (પોસ્ટલ બેલેટ) દ્વારા મતદાન કર્યું હતું અને દરેક મતદારે પોતાનું માન્ય ફોટો ઓળખપત્ર દર્શાવવું ફરજિયાત હતું. આ સરખામણી રજૂ કરતા તેમણે લખ્યું, “આપણે અત્યારે જ SAVE AMERICA ACT પાસ કરવાની જરૂર છે!”
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ ટ્રમ્પના આ નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે X (ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતની ચૂંટણી પ્રણાલીનો ઉલ્લેખ કરવામાં બિલકુલ સાચા છે. ગોરે પણ અમેરિકી કોંગ્રેસને આ એક્ટ ટૂંક સમયમાં પાસ કરવાની અપીલ કરી હતી.






