ટ્રમ્પ ટેરિફ બોમ્બ: હેવી ટ્રકો પર 1 નવેમ્બરથી લાગશે 25% શૂલ્ક

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટો વેપારી નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે દેશમાં આયાત થતા મધ્યમ અને ભારે ટ્રકો પર પહેલી નવેમ્બરથી 25 ટકા ટેરિફ (આયાત શૂલ્ક) લગાડવામાં આવશે. ટ્રમ્પે અગાઉ આ શૂલ્ક પહેલી ઓક્ટોબરથી લાગુ કરવાની ચેતવણી આપી હતી, પરંતુ હવે તેને એક મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર લખ્યું છે કે 1 નવેમ્બર, 2025થી શરૂ કરીને અન્ય દેશોથી અમેરિકા આવતાં તમામ મધ્યમ અને ભારે ટ્રકો પર 25 ટકા દરે ટેરિફ લાગશે.

ટ્રમ્પના આ પગલાનો મુખ્ય હેતુ અમેરિકન ટ્રક ઉત્પાદકોને વિદેશી સ્પર્ધા અને અન્યાયી વેપાર નીતિઓથી બચાવવાનો છે. ટ્રમ્પનો દાવો છે કે આ નિર્ણયથી અમેરિકન કંપનીઓને લાભ થશે.

કયા દેશોને પડશે સૌથી વધુ અસર?

આ ટેરિફ એવા દેશો માટે મોટો ઝટકો છે, જે અમેરિકા તરફ મોટા પાયે ટ્રક નિકાસ કરે છે. અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા મુજબ 2024માં અમેરિકાએ અંદાજે $ 20.1 બિલિયન મૂલ્યના 2,45,764 મધ્યમ અને ભારે ટ્રકો આયાત કર્યા હતા. આ ટ્રકો મુખ્યત્વે મેક્સિકો ($15.6 બિલિયન) અને કેનેડા ($4.5 બિલિયન)માંથી આયાત કરવામાં આવ્યા હતા. યુ.એસ. ચેમ્બર ઓફ કોમર્સના જણાવ્યા મુજબ ટોચના પાંચ નિકાસકાર દેશોમાં મેક્સિકો, કેનેડા, જાપાન, જર્મની અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. જોકે ટ્રમ્પનો આ નિર્ણય USMCA (યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કેનેડા એગ્રીમેન્ટ) હેઠળ ચાલતા ટેરિફ-મુક્ત વેપાર પર પ્રશ્નો ઊભા કરે છે.

અમેરિકન અર્થતંત્રમાં ટ્રકોનું મહત્વ

મધ્યમ અને ભારે ટ્રકો અમેરિકાના કુલ ઓટોમોટિવ બજારનો માત્ર પાંચ ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ S&P ગ્લોબલના જણાવ્યા મુજબ આ વાહનો ઉત્તર અમેરિકામાં આવા ટ્રકોની કુલ માગનો આશરે 80 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકામાં અંદાજે 20 લાખ લોકો ભારે ટ્રક ચાલક તરીકે કાર્યરત છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો મિકેનિક અને સહાયક સ્ટાફ તરીકે કામ કરે છે.