ટ્રમ્પ ટેરિફ: દેશની 86 અબજ $ની નિકાસ પર પ્રતિકૂળ અસર

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાંથી અમેરિકા જતાં ઉત્પાદનો પર 25 ટકાનો વધારાનો ટેરિફ લગાવ્યો છે. આ પગલાં પછી હવે ભારતીય માલ પર અમેરિકન ટેરિફ દર 50 ટકાએ પહોંચી ગયો છે. ટ્રમ્પે આ પગલું રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખવાના બદલામાં પેનલ્ટી રૂપે ભારત પર લીધો છે. 31 જુલાઈ 2025એ જાહેર કરાયેલો 25 ટકાનો નવા ટેરિફનો દર સાત ઓગસ્ટથી અમલમાં આવી ગયો છે. જ્યારે વધારાનો 25 ટકા ટેરિફ હવે 21 દિવસ પછી એટલે કે 27 ઓગસ્ટથી લાગુ પડશે.

‘મિત્ર’ ભારત માટે ટ્રમ્પનો આ નિર્ણય ભારતીય ટેક્સટાઈલ, દરિયાઈ ઉત્પાદનો અને ચામડાનાં નિકાસ ક્ષેત્રો પર પ્રતિકૂળ અસર કરશે  ભારતે અમેરિકાના પગલાંને ગેરવાજબી અને અવિવેકપૂર્ણ ગણાવ્યાં છે, તેમ છતાં, ટેરિફ વધતાં ભારતીય નિકાસકારો, ખાસ કરીને MSME  માટે એક મોટી ચિંતાની સ્થિતિ ઊભી થઈ છે. જોકે, એવી ચીજો જે પહેલાથી જ છૂટછાટવાળી કેટેગરીમાં આવે છે, તે આ વધારાના ટેરિફથી બચી જશે.

નિકાસકારોને મતે  અમેરિકાના પગલાં ભારતના 86 અબજ ડોલરના નિકાસ પર પ્રતિકૂળ અસર કરશે. જૂન, 2025માં ભારત તરફથી અમેરિકા થતી નિકાસ 23.53 ટકા વધી ને 8.3 અબજ ડોલર થઈ હતી. વેપાર મંત્રાલયના આંકડા અનુસાર એ જ સમયગાળામાં અમેરિકા તરફથી આયાત 10.61 ટકા ઘટીને લગભગ 4 અબજ ડોલર રહી હતી. એપ્રિલ-જૂન 2025માં અમેરિકામાં નિકાસ 22.18 ટકા વધીને 25.51 અબજ ડોલર થઈ હતી, જ્યારે આયાત 11.68 ટકા વધીને 12.86 અબજ ડોલર થઈ હતી. નાણાકીય વર્ષ 2025 દરમિયાન અમેરિકાથી ભારતમાં 5.45 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (FDI) આવ્યું હતું.

2024-25માં ભારત-અમેરિકા દ્વિપક્ષી વેપાર 131.8 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. જેમાં ભારતે 86.5 અબજ ડોલરના માલની નિકાસ કર્યો હતો. તેમાં ટેક્સટાઈલ અને એપેરલનો હિસ્સો 10.3 અબજ ડોલર, જેમ્સ એન્ડ જ્વેલરી 12 અબજ ડોલર,, ઝિંગા 2.24 અબજ ડોલર,  ચામડાં અને ફૂટવેર 1.18 અબજ ડોલર, કેમિકલ્સ 2.34 અબજ ડોલર, અને મશીનરી 9 અબજ ડોલરનો હિસ્સો હતો, જ્યારે આયાત 45.3 અબજ ડોલર રહી હતી.