વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આ મહિનાના અંત સુધી દવાઓ (ફાર્માસ્યુટિકલ્સ) પર આયાત શૂલ્ક (ટેરિફ) લગાવવાના છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ટેરિફની શરૂઆત નાની થશે, પરંતુ પછી તેને 200 ટકા સુધી વધારવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું હતું કે દવા કંપનીઓને ઉત્પાદન અમેરિકા પાછું લાવવા માટે પહેલા એક વર્ષનો સમય આપવામાં આવશે. ત્યાર બાદ ટેરિફને નોંધપાત્ર રીતે વધારી દેવામાં આવશે. આ ટેરિફ પહેલી ઓગસ્ટથી લાગુ થનારા અન્ય ટેરિફ સાથે લાગુ પડશે.
પિટ્સબર્ગથી વોશિંગટન પરત ફર્યા બાદ ટ્રમ્પે પત્રકારો સાથે કહ્યું હતું કે અમે પહેલાં ઓછો ટેક્સ લગાવીશું. દવા કંપનીઓને અમેરિકામાં પોતાની ફેક્ટરીઓ બનાવવા માટે એક વર્ષનો સમય આપીશું. ત્યાર બાદ ટેક્સ ખૂબ વધારી દઈશું.
સેમી કન્ડક્ટર પર પણ ટૂંક સમયમાં ટેરિફ
ટ્રમ્પે કોમ્પ્યુટર ચિપ્સ એટલે કે સેમી કન્ડક્ટર પર પણ ટેરિફ લગાવવાની યોજના જણાવી હતી. તેમણે કહ્યું હતું કે ચિપ્સ પર ટેરિફ લાગુ કરવા દવાઓની તુલનામાં સરળ છે, જોકે એ વિશે વધુ વિગતો તેમણે હજુ આપી નથી.
ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ આવનારાં સપ્તાહોમાં તાંબા (કોપર) પર 50 ટકા ટેરિફ લગાવવાના છે. તેમનો ઉદ્દેશ અમેરિકન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને દેશમાં ઉત્પાદન વધારવાનો છે.
ટ્રમ્પ પહેલેથી જ 1962ના ‘ટ્રેડ એક્સપેન્શન એક્ટ’ની કલમ 232 હેઠળ દવાઓ પર તપાસ શરૂ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. તેમનો દાવો છે કે વિદેશી આયાતની ભરમાર રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની રહી છે.
