વોશિંગ્ટન / ન્યૂ યોર્ક: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ગ્રીન કાર્ડ અરજદારો માટે અમલમાં મુકાયેલા કડક ‘પબ્લિક ચાર્જ’ (Public Charge) નિયમ સામે મોટાપાયે કાનૂની જંગ શરૂ થયો છે. ન્યૂ યોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાની અને અમેરિકાના બીજા ૨૨ રાજ્યએ આ નવી નીતિ સામે અદાલતમાં બે અલગ-અલગ કેસ (મુકદ્દમા) દાખલ કર્યા છે.
શું છે નવો ‘પબ્લિક ચાર્જ’ નિયમ?
અમેરિકામાં કાયમી વસવાટ (ગ્રીન કાર્ડ) ઇચ્છતા વિદેશી નાગરિકો સરકાર પર આર્થિક રીતે નિર્ભર છે કે નહીં તે ચકાસવા માટે ‘પબ્લિક ચાર્જ’ નિયમનો ઉપયોગ થાય છે. ટ્રમ્પ પ્રશાસને આ નિયમનો વ્યાપ વધારી દીધો છે. હવેથી જો કોઈ અરજદાર ફૂડ સ્ટેમ્પ્સ (ફૂડ આસિસ્ટન્સ), મેડિકેડ (સરકારી સ્વાસ્થ્ય સહાય) કે હાઉસિંગ આસિસ્ટન્સ જેવી બિન-રોકડ સરકારી સહાય મેળવતો હશે, તો ઇમિગ્રેશન અધિકારીઓ ગ્રીન કાર્ડ આપવાનો ઇનકાર કરી શકે છે.
શા માટે થયો વિરોધ?
ઝોહરાન મમદાની અને ૨૨ રાજ્યની દલીલ છે કે આ કડક નીતિના કારણે વસાહતી પરિવાર ભયના માર્યા પોતાની કાયદેસરની સરકારી સહાય અને આરોગ્ય સેવાઓ છોડી રહ્યા છે. તેનાથી વસાહતી બાળકોના આરોગ્ય અને પોષણ પર ખરાબ અસર પડશે તેમજ સ્થાનિક અર્થતંત્રને નુકસાન થશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ના અંદાજ મુજબ આશરે ૯.૫ લાખ લોકો આ નિયમના ડરથી સરકારી સહાય યોજનાઓમાંથી નામ પાછા ખેંચી શકે છે.
ભારતીયો પર અસર
અમેરિકામાં વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીય આઈટી વ્યાવસાયિકો અને તેમના પરિવાર માટે આ નીતિએ ચિંતા વધારી છે. જોકે આ નિયમથી દરેક અરજદારનો ગ્રીન કાર્ડ આપમેળે રદ નથી થતો, પરંતુ વિઝા પ્રક્રિયા દરમિયાન વધારાની ચકાસણી અને અસ્પષ્ટતા ઊભી થાય છે.




