રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વોશિંગ્ટને યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે એક સંભવિત માર્ગ શોધ્યો છે, પરંતુ પ્રસ્તાવ ત્યારે આગળ વધશે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કી તેને મંજૂરી આપશે.

ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે અમને લાગે છે કે અમારી પાસે શાંતિ સ્થાપિત કરવાનો એક રસ્તો છે, તેમને (ઝેલેન્સ્કી) તેને મંજૂર કરવું પડશે. મને લાગે છે કે તેઓ ઘણી નજીક પહોંચી રહ્યા છે, પરંતુ હું કોઈ આગાહી કરવા માગતો નથી. તેમની આ ટિપ્પણી અમેરિકાએ તૈયાર કરેલી નવી શાંતિ યોજનાને લઈને તેજ ચર્ચાઓ વચ્ચે આવી છે, જેના પર કિવ હાલમાં વિચાર કરી રહ્યું છે. આ પ્રસ્તાવ હજી પ્રારંભિક તબક્કામાં છે અને ચર્ચાઓ ચાલુ હોવાથી તેમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા છે.

આ પહેલાં શુક્રવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ ચેતવણી આપી હતી કે દેશ પોતાના ઇતિહાસની સૌથી પડકારજનક ક્ષણો પૈકી એકનો સામનો કરી રહ્યો છે, કારણ કે તે અમેરિકન પ્રસ્તાવના પરિણામો પર વિચાર કરી રહ્યો છે.ઝેલેન્સ્કીએ રાષ્ટ્રીય એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને પુનરાવર્તન કર્યું કે તેઓ ક્યારેય યુક્રેનના લોકોથી દગો નહીં કરે.

ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આ આપણા ઇતિહાસના સૌથી મુશ્કેલ ક્ષણોમાંની એક છે… હવે યુક્રેનને એક અત્યંત કઠિન વિકલ્પનો સામનો કરવો પડી શકે છે  અથવા તો તેની માન-મર્યાદા ગુમાવવી પડશે અથવા તો એક મુખ્ય ભાગીદાર ગુમાવવાનું જોખમ લેવું પડશે.

ટ્રમ્પ પ્રશાસનમાં યુક્રેન શાંતિ પ્રસ્તાવમાં કિવે પૂર્વી ડોનબાસ વિસ્તારમાંથી પોતાના ક્ષેત્રનો ત્યાગ કરવો અને અમેરિકાની સમર્થિત સુરક્ષા ગેરંટીના બદલામાં પોતાની સૈન્ય ક્ષમતાઓને મર્યાદિત કરવા માટે સહમત થવાનું સામેલ હોઈ શકે છે — આ માહિતી ચર્ચાથી પરિચિત એક પશ્ચિમી અધિકારીએ આપી હતી. અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ પર હજી કામ ચાલી રહ્યું છે અને કોઇ પણ અંતિમ કરાર માટે રશિયા અને યુક્રેન બન્ને તરફથી સમાધાનની જરૂર પડશે.