વધારાના 10 ટકા ટેરિફ લગાવવાની બ્રિક્સ દેશોને ટ્રમ્પની ધમકી

રિયો ડી જાનેરોઃ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં 17મું બ્રિક્સ શિખર સંમેલન ચાલી રહ્યું છે. બે દિવસીય વાર્ષિક શિખર સંમેલનના પહેલા દિવસે બ્રિક્સના ઉચ્ચ સ્તરીય નેતાઓએ વિશ્વ સમક્ષ હાજર વિવિધ પડકારો પર ચર્ચા કરી હતી. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને મોટી ધમકી આપી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે દેશો બ્રિક્સની અમેરિકાવિરોધી નીતિઓ સાથે પોતાનું જોડાણ કરશે, એવા તમામ દેશો પર 10 ટકાનો વધારાના ટેરિફ લાદવામાં આવશે. આ નિવેદન ‘ટ્રુથ સોશિયલ’ પર શેર કર્યું હતું.

ટ્રમ્પે લખ્યું છે કે બ્રિક્સની અમેરિકાવિરોધી નીતિઓ સાથે જોડાનારા કોઈ પણ દેશ પર 10% વધારાનો ટેરિફ લાગુ થશે. આ નીતિમાં કોઈ પણ પ્રકારનો અપવાદ રહેશે નહીં. આ મુદ્દા પર તમારું ધ્યાન દોરવા બદલ આભાર.

ટ્રમ્પનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બ્રિક્સ સમૂહે અમેરિકાનું નામ લીધા વગર વિશ્વ વ્યાપાર સંસ્થાના નિયમોના વિરોધરૂપે જે કોઈ પણ એકતરફી ટેરિફ વધારો થાય છે તેની નિંદા કરી હતી.

ટ્રમ્પે લખ્યું હતું કે અમેરિકા સોમવારથી વિવિધ દેશોને ટેરિફ અને સમજૂતીને લઈને પત્ર મોકલશે. તેમણે કહ્યું હતું કે મને આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે દુનિયાભરના વિવિધ દેશો સાથે અમેરિકાના ટેરિફ પત્રો અને/અથવા સમજૂતો સોમવાર, સાત જુલાઇએ બપોરે 12:00 વાગ્યે (ઈસ્ટર્ન સમય મુજબ)થી વહેંચવામાં આવશે. આ મુદ્દા પર તમારું ધ્યાન આપવા બદલ આભાર.

બ્રાઝિલમાં ચાલી રહેલા શિખર સંમેલનમાં. બ્રિક્સ દેશોના નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેંકના ગવર્નરો (FMCBG)ની બેઠક પછી આવેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમે એકતરફી રીતે લાગૂ થતા એવા વેપાર અને નાણાં સંબંધિત પગલાંઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરીએ છીએ જેમાં ટેરિફ અને બિન-ટેરિફ પગલાંનો સમાવેશ થાય છે, જે વેપારને નુકસાન પહોંચાડે છે અને WTOના નિયમો સાથે અસંગત છે.