અમદાવાદ: પર્યટન ઉદ્યોગના વિકાસને સમર્પિત સૌથી મોટો ટ્રાવેલ ટ્રેડ ફેર, “TTF” ગુરુવારે શરૂ થયો છે. આ શો 31 જુલાઈથી 2 ઓગસ્ટ, 2025 સુધી ગાંધીનગરના મહાત્મા મંદિર, કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. TTFનું ઉદ્ઘાટન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મર અબ્દુલ્લા અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી મુલુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થયું હતું. TTFમાં ભારત અને વિદેશના 900થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો છે. દિવાળી અને શિયાળાની રજાઓ પહેલાં યોજાનારા આ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમિયાન 12,500થી વધુ ઉદ્યોગ વ્યાવસાયિકોની હાજરીની અપેક્ષા છે.
“TTF અમદાવાદ 2025” તે ટ્રાવેલ ટ્રેડ પ્રોફેશનલ્સ અને પ્રદર્શકો માટે શો ફ્લોર પર થયેલી ડીલ સાથે જોડાવા, નેટવર્ક સ્થાપિત કરવા અને તેમના વ્યવસાયને વધારવા માટે એક આદર્શ પ્લેટફોર્મ રજૂ કરે છે. આ ઇવેન્ટ ફક્ત B2B માટે છે અને TTF શ્રેણીના સૌથી મોટા શો તરીકે, યાત્રા અને તહેવારોની મોસમની એક મહત્વપૂર્ણ શરૂઆત દર્શાવે છે. આ વર્ષે, 25+ ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પ્રદર્શન કરી રહ્યા છે. ખાનગી ક્ષેત્ર દ્વારા 30થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, શ્રીલંકા ટુરિઝમની સત્તાવાર ભાગીદારી સાથે-સાથે મોટી સંખ્યામાં ભાગીદારો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે.અમદાવાદમાં TTF શો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડની વિવિધ શ્રેણીને એકસાથે લાવી રહ્યું છે. જેમાં શ્રીલંકા પ્રવાસન, ગુજરાત પ્રવાસન, ઉત્તર પ્રદેશ પ્રવાસન, ઉત્તરાખંડ પ્રવાસન, જમ્મુ અને કાશ્મીર પ્રવાસન, ગોવા પ્રવાસન, ઓડિશા પ્રવાસન, રાજસ્થાન પ્રવાસન, પંજાબ પ્રવાસન, કેરળ પ્રવાસન, કર્ણાટક પ્રવાસન, આસામ પ્રવાસન, તમિલનાડુ પ્રવાસન, છત્તીસગઢ પ્રવાસન, મેઘાલય પ્રવાસન, ત્રિપુરા પ્રવાસન વિભાગ અને અન્ય અનેક સામેલ છે.
આની સાથે જ, આ ભવ્ય શોમાં હોલિડે મિકેનિક, પ્રવેગ લિમિટેડ, ધ ટ્રાવેલ નેક્સસ, વિન્ડહામ હોટેલ ગ્રુપ, બુકિંગ વિન્ડો, ટ્રાવેલ હાઇ, બાયન ગ્રુપ ઓફ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, બુકિંગ જંકશન, ટ્રાવેલ પ્લગ, ગ્લોબલ ટુરિઝમ ક્લબ, ટ્રુલી ઇન્ડિયા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ક્રૂઝ કેરોટ, શ્રી સિદ્ધિ ડીએમસી ટ્રાવેલ હબ, સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, રોયલ ઓર્કિડ હોટેલ્સ, ટ્રીટ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, કોન્સેપ્ટ હોસ્પિટાલિટી, ઓટિલા ઇન્ટરનેશનલ, રેડિસન હોટેલ ગ્રુપ, હોલિડે સ્કેચર ડીએમસી ફોર બાલી અને અન્ય જેવા અગ્રણી ખાનગી પ્રદર્શકો તેમની શ્રેષ્ઠ ઓફરો પ્રદર્શિત કરી રહ્યા છે.
ફેરફેસ્ટ મીડિયાના ચેરમેન અને સીઈઓ સંજીવ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ વર્ષે TTFની આવૃત્તિ સ્થાનિક, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પર્યટન માટે ભારતના મહત્વ અને વિશ્વભરમાં ભૂ-રાજકીય સ્તરે અસ્થિરતા દરમિયાન એશિયા પર વધતા ફોકસનું પ્રમાણ છે. અમે શ્રીલંકા અને ઘણા બધા ભાગીદારોનું સ્વાગત કરીએ છીએ, જે અમદાવાદને TTF શ્રેણીની સૌથી મોટી ઇવેન્ટ બનાવે છે. અમે વાર્ષિક ધોરણે 20% વધુ મુલાકાતીઓ અને તમામ માટે ઉલ્લેખનીય વ્યવસાયિક પરિણામોની અપેક્ષા રાખીએ છીએ.”
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER) ના તાજેતરના રાષ્ટ્રીય પ્રવાસન અહેવાલ મુજબ, ગુજરાતે ભારતના પ્રત્યક્ષ પ્રવાસન GDPમાં આશરે 5.85% અને પરોક્ષ પ્રવાસન GDPમાં 9.55% યોગદાન આપ્યું છે. ભારતના પ્રવાસન અર્થતંત્રમાં ગુજરાતનો કુલ પ્રવાસન ઉત્પાદન હિસ્સો 15.39% છે. ગુજરાતના મૂળના પ્રવાસીઓ સ્થાનિક પ્રવાસોમાં આશરે 8% ફાળો આપે છે. તેઓ બહાર જતા પ્રવાસનમાં પણ ઉલ્લેખનીય હિસ્સો ધરાવે છે, જે કોઈપણ સમયે ભારતીય પ્રવાસીઓનો 30-40% જેટલો હોય છે.
