પશ્ચિમ બંગાળ વિધાનસભામાં હંગામોઃ  ભાજપ-TMC વિધાનસભ્યો માટે મારપીટ

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બુધવારે ભારે હંગામો થયો હતો, જ્યારે ભાજપ અને TMCના વિધાનસભ્યો એકબીજા સાથે બાખડ્યા હતા. વિધાનસભામાં મુદ્દો અલ્પસંખ્યકો સાથે સંબંધિત એક બિલની ચર્ચા દરમિયાન શરૂ થયો હતો. આ હોબાળાને કારણે વિધાનસભાના સ્પીકરને માર્શલ્સ બોલાવવા પડ્યા. એ દરમ્યાન ભાજપના ચીફ વ્હિપ શંકર ઘોષને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ સાથે શુવેન્દુ અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

તેમના સિવાય ભાજપનાં બીજાં એક મહિલા વિધાનસભ્ય અગ્નિમિત્રા પાલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ હંગામા વચ્ચે શંકર ઘોષની તબિયત બગડી ગઈ, ત્યાર બાદ તેમને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવી હતી.

મમતા બેનરજીનું ભાજપ પર આક્રમણ

આ હંગામા વચ્ચે પશ્ચિમ બંગાળનાં CM અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ વિધાનસભામાં ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપને “વોટ ચોરોની પાર્ટી” ગણાવતાં કહ્યું હતું કે ભાજપ દેશ માટે એક કલંક છે. આ લોકો બંગાળી ભાષા અને બંગાળની સંસ્કૃતિ પર હુમલો કરી રહ્યા છે. બંગાળના લોકોએ આઝાદીની લડતમાં પોતાનું લોહી વહાવ્યું હતું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો.

મમતાએ ભાજપ પર બંગાળ અને બંગાળીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો. તેમણે કહ્યું હતું કે આ લોકો બંગાળીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. સંસદમાં અમે જોયું કે કેવી રીતે ભાજપે અમારા સાંસદોને CISF મારફતે પરેશાન કર્યા. હું કહું છું, એક દિવસ આવશે જ્યારે બંગાળની જનતા ભાજપને મત નહીં આપે અને વિધાનસભામાં તેમનો એક પણ વિધાનસભ્ય નહીં હોય

ભાજપનો પણ પ્રતિકાર

ભાજપના વિધાનસભ્યોએ મમતાનાં નિવેદનોનો જોરદાર વિરોધ કર્યો હતો, જેને કારણે વિધાનસભામાં વાતાવરણ વધુ ગરમાયું હતું. ભાજપે TMC પર અલ્પસંખ્યક તુષ્ટિકરણનો આરોપ લગાવતાં કહ્યું હતું કે મમતા બેનર્જી બંગાળની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ હોબાળાને કારણે વિધાનસભાની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી.