વિધાનસભામાં TVKની અગ્નિપરીક્ષા, બહુમતીથી 11 પગલા દૂર ‘વિજય’

ચેન્નઈઃ તામિલનાડુના મુખ્ય મંત્રી C. જોસેફ વિજય આજે વિધાનસભામાં વિશ્વાસ મતનો સામનો કરશે. આંકડાકીય રીતે સ્થિતિ નવા મુખ્ય મંત્રીના પક્ષમાં દેખાઈ રહી છે, પરંતુ ચૂંટણી પરિણામો બાદ રાજ્યના રાજકારણમાં ભારે ઊથલપાથલ જોવા મળી છે. ઝડપથી બદલાતાં ગઠબંધનો,કોર્ટનો હસ્તક્ષેપ અને વિરોધ પક્ષ AIADMKમાં ખુલ્લા બળવાએ રાજકીય પરિસ્થિતિને વધુ રસપ્રદ બનાવી દીધી છે.

  1. જોસેફ વિજયની પાર્ટી TVKએ 2026ની વિધાનસભા ચૂંટણીમાં 234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો મેળવી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી હતી. જોકે બહુમતી માટે જરૂરી 118 બેઠકો કરતાં તે 10 બેઠકો ઓછી રહી હતી. બાદમાં વિજયે બે બેઠકો પરથી જીત મેળવી હોવાથી એક બેઠક પરથી રાજીનામું આપતાં આ ઘટાડો વધીને 11 બેઠકોનો થયો હતો.

આજે તમિલનાડુ વિધાનસભામાં વિશ્વાસ મત

વિજયે 118 ધારાસભ્યોના સમર્થનપત્રો સાથે રાજ્યપાલને સમર્થન રજૂ કર્યા બાદ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. આજે તેઓ વિધાનસભામાં પોતાનું બહુમત સાબિત કરશે. વિધાનસભાના પ્રથમ દિવસે તાત્કાલિક સ્પીકરની નિમણૂક કરવામાં આવી હતી. બીજા દિવસે કાયમી સ્પીકર અને ઉપસભાપતિની પસંદગી કરવામાં આવી હતી અને આજે ત્રીજા દિવસે વિશ્વાસ મત પર મતદાન થશે. ખાસ વાત એ છે કે તામિલનાડુ વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વાસ મતની કાર્યવાહીનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વધુ મહત્વપૂર્ણ બની ગયો છે.

નવ વર્ષ બાદ ફ્લોર ટેસ્ટ

તામિલનાડુ વિધાનસભામાં નવ વર્ષ બાદ ફરી વિશ્વાસ મત યોજાઈ રહ્યો છે. બહુમતીની કસોટી વોઇસ વોટ (ધ્વનિ મત) અથવા ડિવિઝન વોટ દ્વારા થઈ શકે છે. મુખ્ય મંત્રી વિજય પોતાની કેબિનેટ પર વિશ્વાસ વ્યક્ત કરતો પ્રસ્તાવ રજૂ કરશે. ચર્ચા પૂર્ણ થયા બાદ સ્પીકર આ પ્રસ્તાવને મતદાન માટે મૂકવામાં આવશે.