TVK સરકાર છ મહિના પણ નહીં ટકેઃ DMK ધારાસભ્યનો દાવો

ચેન્નઈઃ DMKના વરિષ્ઠ નેતા અને તિરુચેંદુરનાં ધારાસભ્ય અનીતા રાધાકૃષ્ણને રવિવારે તામિલનાડુના મુખ્ય મંત્રી જોસેફ વિજય અને તેમની TVK નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ સરકાર છ મહિના પણ ટકી શકશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે DMKપ્રમુખ એમકે સ્ટાલિન — જે વિજય અને તેમની TVKની એપ્રિલની ભવ્ય ચૂંટણી જીત પહેલાં મુખ્ય મંત્રી હતા — ટૂંક સમયમાં ફરી સત્તામાં પાછા ફરશે. દક્ષિણ તામિલનાડુમાં યોજાયેલા એક પાર્ટી કાર્યક્રમમાં રાધાકૃષ્ણને સત્તારૂઢ તમિલાગા વેટ્રી કઝગમના વરિષ્ઠ નેતા આધવ અર્જુનને પણ પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે અર્જુન પહેલા વિલ્લીવક્કમ બેઠક પરથી રાજીનામું આપે અને પછી તિરુચેંદુરમાં તેમના સામે ચૂંટણી લડી બતાવે.

આ સરકાર માત્ર ચાર મહિના જ ટકશે

રાધાકૃષ્ણને જાહેરમાં કહ્યું હતું કે આ સરકાર માત્ર ચાર મહિના વધુ ટકશે. આધવ અર્જુન નામનો એક જ માણસ છે. જો હિંમત હોય તો ધારાસભ્યપદેથી રાજીનામું આપો, હું પણ આપું છું. એ પછી તિરુચેંદુરમાં સામસામે ટક્કર કરીએ. આ અમારું શહેર છે. અહીં અમે કોઈને પણ હરાવી શકીએ છીએ.

તિરુચેંદુર બેઠક છેલ્લાં 25 વર્ષથી અનીતા રાધાકૃષ્ણનનો ગઢ રહી છે. તેમણે 2001માં પ્રથમ વખત DMKના મુખ્ય દ્રવિડ પ્રતિસ્પર્ધી AIADMK માટે આ બેઠક જીતી હતી અને 2009માં DMK માટે તેને જાળવી રાખી હતી.

 સ્ટાલિન આગામી મુખ્ય મંત્રી બનશે

રાધાકૃષ્ણને એમકે સ્ટાલિનનો પણ બચાવ કર્યો, જ્યારે તેમને પોતાના ગઢ કોલાથુરમાં વી.એસ. બાબુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. વી.એસ. બાબુ DMKના અસંતોષી ભૂતપૂર્વ નેતા હતા, જેઓ બાદમાં વિજયની TVKમાં જોડાયા અને પોતાના પૂર્વ નેતાને સત્તાથી દૂર કર્યા. રાધાકૃષ્ણને કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા ‘થલાઇવર’ (નેતા) એમકે સ્ટાલિન ત્રિચીમાંથી ચૂંટણી લડે. સ્ટાલિને કોલાથુરને સિંગાપુરમાં બદલી નાખ્યું છે. ત્યાર બાદ તેમણે મતદાતાઓ પર નિશાન સાધતાં તેમને “નકામા” ગણાવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે થલાઇવર આગામી મુખ્ય મંત્રી બનશે. ચારથી છ મહિના પછી અમારા નેતા મુખ્ય મંત્રી બનશે.

 TVK તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં

જોકે વિજયના કાર્યાલય TVK અને આધવ અર્જુને આ ટિપ્પણીઓ પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ નિવેદનો TVK અને DMK વચ્ચે વધતા રાજકીય સંઘર્ષ વચ્ચે આવ્યા છે.