ચાંગા: ચારુસેટ યુનિવર્સિટીની NCC યુનિટની બે મહિલા કેડેટ્સે નેશનલ લેવલે શાનદાર પ્રદર્શન કર્યું. ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે યોજાયેલ ‘ટીમ બિલ્ડિંગ એન્ડ લીડરશિપ એડવેન્ચર કેમ્પ’ સફળતાપૂર્વક પૂર્ણ કરીને યુનિવર્સિટી તેમજ ગુજરાત NCC ડિરેક્ટોરેટનું નામ રોશન કર્યું છે. ચારુસેટ સંલગ્ન શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA)ની વિદ્યાર્થીનીઓ સી.ડી.ટી. વૃતા પાનેલિયા અને સી.પી.એલ. ખુશી લવડિયાએ આ કઠિન કેમ્પમાં ભાગ લઈને પોતાની સાહસિકતાનો પરિચય આપ્યો હતો.
૧૫૦ કેડેટ્સ વચ્ચે ૧૧ દિવસીય કઠિન પર્વતારોહણ તાલીમ
૧૧ દિવસીય કેમ્પ ૨૩ જૂનથી ૩ જુલાઈ દરમિયાન દેશની અગ્રણી પર્વતારોહણ સંસ્થા ‘નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ’ (NIM), ઉત્તરકાશી ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં ગુજરાત, દિલ્હી અને ઉત્તરાખંડ NCC ડિરેક્ટોરેટમાંથી પસંદ થયેલા દેશભરના ૧૫૦ પ્રતિભાશાળી કેડેટ્સે ભાગ લીધો હતો.
કેમ્પ દરમિયાન કેડેટ્સને વાસ્તવિક પરિસ્થિતિઓ મુજબ પાંચ તબક્કામાં ઉચ્ચ સ્તરનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું:
૧. પ્રથમ તબક્કો: હાઇ-એલ્ટિટ્યુડ પરિસ્થિતિમાં અનુકૂલન, સુરક્ષા માર્ગદર્શિકા અને ટેક્ટિકલ ઓરિએન્ટેશન.
૨. બીજો તબક્કો: રોક ક્લાઇમ્બિંગ, રેપલિંગ, એન્કરિંગ અને બેલેઇંગ જેવી પર્વતારોહણની ટેકનિકલ કુશળતાઓ.
૩. ત્રીજો તબક્કો: વયાલી અને તેખલા સુધીની હાઇ-એલ્ટિટ્યુડ એન્ડ્યુરન્સ ટ્રેક.
૪. ચોથો તબક્કો: રિવર ક્રોસિંગ અને અદ્યતન ફિલ્ડ સર્વાઇવલ ડ્રિલ્સ.
૫. અંતિમ તબક્કો: નેતૃત્વ ક્ષમતા, સહનશક્તિ અને કેમ્પ મેનેજમેન્ટનું મૂલ્યાંકન.
વરિષ્ઠ અધિકારીઓ અને યુનિવર્સિટી વડાઓ દ્વારા સન્માન
ચારુસેટની બંને કેડેટ્સે સમગ્ર તાલીમ દરમિયાન માનસિક દૃઢતા, ટીમ વર્ક અને ટેક્ટિકલ કુશળતામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગના પ્રશિક્ષકોની પ્રશંસા મેળવી હતી. કેમ્પ પૂર્ણ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગરમાં NCCના વરિષ્ઠ અધિકારીઓ બ્રિગેડિયર પી. એસ. અરોરા (ગ્રુપ કમાન્ડર, વલ્લભ વિદ્યાનગર), કર્નલ એસ. એસ. રાજપુરોહિત (પ્રિન્સિપાલ, NIM) તેમજ કર્નલ અખિલ મહેંદે (CO, 38 બટાલિયન NCC) એ બંને કેડેટ્સને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ચારુસેટના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલ, રજિસ્ટ્રાર ડો. બિનીત પટેલ, ડીન ડો. સંસ્કૃતિ પટેલ, પ્રિન્સિપાલ ડો. ધર્મેન્દ્ર પટેલ અને કેરટેકર ઓફિસર ડો. પ્રિતેશ પટેલે આ સિદ્ધિને મહિલા કેડેટ્સની સાહસિકતા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું હતું.




