બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવની બે મિલકતોની થશે હરાજી

નવી દિલ્હી: બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવનો ચેક બાઉન્સનો મામલો હજુ સુધી ખતમ નથી થયો. ઊલટાનું, આ કેસમાં તેમની મુશ્કેલીઓ ફરી એક વાર વધી છે. અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં આવેલી તેની બે મિલકતોની નવ સપ્ટેમ્બરે હરાજી કરવામાં આવશે. આ અંગે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની મુંબઈ શાખાએ શહેર અને ગામમાં આવેલી બંને મિલકતો પર હરાજીની નોટિસ ચોંટાડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજપાલ યાદવ પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું કુલ 16 કરોડ 61 લાખ રૂપિયા બાકી છે. જોકે હરાજી માટે જાહેર કરાયેલી આ બે મિલકતોની અંદાજિત કિંમત ત્રણ કરોડ 19 લાખ હોવાનું જણાવાયું છે.

રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે બેંક પાસેથી આ લોન લીધી હતી. લોનની વસૂલાત ન થતાં બેંકે ગીરવે રાખવામાં આવેલી મિલકતોનો કબજો મેળવી હરાજીની પ્રક્રિયા શરૂ કરી છે. બેંકના રેકોર્ડ મુજબ શાહજહાંપુરમાં તેની બે મિલકતો છે, જેમાં એક શહેરમાં જ્યારે બીજી ગામમાં આવેલી છે. ગામની મિલકતમાં ખેતીની જમીન અને મકાનનો સમાવેશ થાય છે. આ હરાજી નવ સપ્ટેમ્બરે ઓનલાઈન યોજાશે.

અહેવાલો મુજબ લોન માટે રાજપાલ યાદવે રાધા યાદવ અને તેમની માતા ગોદાવરી યાદવની મિલકતો પણ ગેરંટી તરીકે ગીરવે મૂકી હતી. તેને આધારે બેંકે આ મિલકતો સામે કાર્યવાહી શરૂ કરી છે. શાહજહાંપુર ઉપરાંત મુંબઈમાં આવેલી તેમની અન્ય મિલકતોની હરાજીની પ્રક્રિયા પણ ચાલી રહી હોવાનું કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે રાજપાલ યાદવ સામે ચેક બાઉન્સનો કેસ દાખલ કરનાર કંપનીના માલિક પણ શાહજહાંપુરના જ રહેવાસી છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ અભિનેતા કાનૂની તેમ જ આર્થિક મુશ્કેલીઓમાં છે. મિલકતો પર હરાજીની નોટિસ ચોંટાડાયા બાદ આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. બેંક અધિકારીઓનું કહેવું છે કે લોનની વસૂલાત માટેની આ કાર્યવાહી નિયમો અનુસાર કરવામાં આવી રહી છે.