મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતના વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધા બાદ આજે સાંજે મુંબઈમાં પણ એક કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા. જોકે મુંબઈમાં જ્યાં PM મોદીનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યાંથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે બે શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી એક પાસેથી બંદૂક મળી આવી છે, જ્યારે બીજા પાસેથી PMOનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું છે.
આ ઘટના સામે આવ્યા બાદ તપાસ એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા બંને શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર કસ્ટડીમાં લેવાયેલા બે લોકોમાંથી એકે પોતાને વડા પ્રધાન કાર્યાલય (PMO)નો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો, જ્યારે બીજી વ્યક્તિ તેની બોડીગાર્ડ હતી. બોડીગાર્ડ પાસેથી બંદૂક મળી આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી છે.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં PMનો કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. સત્તાવાર માહિતી અનુસાર PM મોદી સાંજે આશરે છ વાગ્યે આ કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી આ કાર્યક્રમમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF)નું ઉદ્ઘાટન કરશે.
આરોપીની ઓળખ
News Alert! Man posing as PMO official and his armed ‘bodyguard’ detained at venue of PM Modi’s event in Mumbai’s BKC: police pic.twitter.com/xDvcxjH2I5
— Press Trust of India (@PTI_News) September 8, 2026
કસ્ટડીમાં લેવામાં આવેલી વ્યક્તિની ઓળખ 24 વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર પારેખ પાસે PMOનું બનાવટી ઓળખપત્ર હતું, જેને સુરક્ષા કર્મચારીઓએ વેરિફિકેશન દરમિયાન નકલી હોવાનું શોધી કાઢ્યું હતું. રોહન પારેખ સાથે તેનો એક બોડીગાર્ડ પણ હતો, જેની પાસેથી બંદૂક મળી આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આરોપીએ પોતાને PMOનો અધિકારી ગણાવ્યો
આ ઘટના બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે મામલાની વધુ તપાસ શરૂ કરી છે. બનાવટી ઓળખપત્ર અને હથિયાર સાથે કાર્યક્રમ સ્થળમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરવા પાછળ શું કારણ હતું, તેની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર આરોપી ગઈ કાલે (7 સપ્ટેમ્બર) બનાવટી ઓળખપત્ર લઈને કાર્યક્રમ સ્થળની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન મુંબઈ પોલીસની નજર તેના પર પડી. તપાસ દરમિયાન તેની પાસેથી મળેલાં ઓળખપત્રો બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ BKC પોલીસ સ્ટેશનમાં તેના અને તેના બોડીગાર્ડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે આગળની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે.




