દુબઈઃ સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEએ લગભગ 60 વર્ષ બાદ ઓઇલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC (ઓપેક)માંથી બહાર નીકળવાનો મોટો નિર્ણય લીધો છે. UAEના આ નિર્ણયને માત્ર ઓઇલ સાથે જોડાયેલો નહીં, પરંતુ રાજકીય રીતે પણ મોટો ખેલ માનવામાં આવી રહ્યો છે. આથી માત્ર આ ઓઇલ સંગઠન અને તેના સૌથી મોટા નેતા ગણાતા સાઉદી આરબને જ ઝટકો લાગી શકે છે એવું નહીં, પરંતુ સાઉદી આરબના સંરક્ષણ ભાગીદાર પાકિસ્તાન પર પણ તેની અસર પડી શકે છે.
હકીકતમાં UAE અને સાઉદી આરબ વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલતો હતો. જોકે ઈરાનના હુમલાઓને કારણે બંને દેશો એક મંચ પર દેખાવા લાગ્યા હતા. યુરેશિયા ગ્રુપના મિડલ ઈસ્ટ વિભાગના પ્રમુખ ફિરાસ મક્સદે જણાવ્યું હતું કે UAE ખુશ નહોતું કે તેને પોતાની ઓઇલ ઉત્પાદનની મર્યાદામાં બંધાઈને રહેવું પડે, ખાસ કરીને ત્યારે જ્યારે તે વધુ ઓઇલ કાઢવા માગતું હતું અને સાઉદી આરબ ઓછું ઉત્પાદન ઇચ્છતું હતું.
UAE પાકિસ્તાનથી પણ નારાજ રહ્યું છે. તેનું કારણ પાકિસ્તાનના સાઉદી આરબ સાથે વધતા સંબંધો અને અમેરિકા-ઈરાન વચ્ચે મધ્યસ્થ તરીકેની ભૂમિકા છે. UAEને લાગે છે કે પાકિસ્તાને ખાડી દેશો પર થયેલા હુમલાઓ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું નથી. ચેથમ હાઉસના નિષ્ણાત નીલ ક્વિલિયમએ કહ્યું હતું કે પાકિસ્તાનની મધ્યસ્થ ભૂમિકાથી UAE અસંતોષમાં હતો. તેમણે કહ્યું હતું તે UAEના દ્રષ્ટિકોણથી અહીં કોઈ તટસ્થ સ્થાન નથી. જો તમે વચ્ચે છો, તો તમે કોઈ એક તરફ નથી, અને આ UAEને સ્વીકાર્ય નથી.

OPEC છોડવાથી UAEને શું ફાયદો?
UAE OPECનું ત્રીજો સૌથી મોટો ઓઇલ ઉત્પાદક દેશ છે અને 1967માં તેમાં જોડાયું હતું. પરંતુ OPECમાં સામેલ દેશો માટે ઓઇલ ઉત્પાદન મર્યાદા સાઉદી આરબ નક્કી કરતું રહ્યું છે, જેને કારણે UAE વધુ ઓઇલ નિકાસ કરી શકતું નહોતું. હવે OPEC છોડ્યા પછી UAEને બજાર મુજબ ઝડપથી નિર્ણય લેવાની અને વધુ નફો કમાવાની સ્વતંત્રતા મળશે.




