નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે મુસ્લિમ પર્સનલ લો હેઠળ મહિલાઓના અધિકારોના કથિત ઉલ્લંઘનને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની વકાલત કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની બેન્ચે પર્સનલ લોને કારણે ઊભી થતી જટિલતાઓથી બચવા માટે સંસદને પગલાં લેવા આહવાન કર્યું હતું.
ન્યાયમૂર્તિ બાગચીએ કહ્યું હતું કે પર્સનલ લોને અમાન્ય જાહેર કરીને કાનૂની ખાલીપો સર્જવા કરતાં સારું એ રહેશે કે મુદ્દો સંસદની સમજ પર છોડવામાં આવે, જેથી તે સમાન નાગરિક સંહિતા અંગે કાયદો બનાવી શકે. આ કોર્ટ અગાઉ પણ યુનિફોર્મ સિવિલ કોડની ભલામણ કરી ચૂકી છે. જુઓ, એક મુસ્લિમ પુરુષ નક્કી પ્રક્રિયા અનુસરીને એકતરફી તલાક આપી શકે છે. શું અમે પર્સનલ લો આધારિત તમામ બહુવિવાહ સંબંધોને અમાન્ય જાહેર કરી શકીએ? નહીં, તેથી મૂળભૂત કર્તવ્યોને અસરકારક બનાવવા માટે અમારે સંસદની શક્તિ પર નિર્ભર રહેવું પડશે.
UCC જ એકમાત્ર ઉકેલ — CJI સૂર્યકાંત
મુખ્ય ન્યાયાધીશ કાંતે ન્યાયમૂર્તિ બાગચીના વિચાર સાથે સહમતી વ્યક્ત કરતાં કહ્યું હતું કે જેમ યોગ્ય રીતે કહેવામાં આવ્યું છે, તેનો જવાબ સમાન નાગરિક સંહિતા જ છે. આ સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારોને મુસ્લિમ પર્સનલ લો (શરિયા) એપ્લિકેશન અધિનિયમ, 1937 સામેની તેમની અરજી અંગે પણ પ્રશ્નો પૂછ્યા હતા અરજદારોનું કહેવું છે કે આ કાયદાની જોગવાઈઓ મુસ્લિમ મહિલાઓ સામે ભેદભાવ કરે છે, જેમાં વારસાગત અધિકારોનો મુદ્દો પણ સામેલ છે.
મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું હતું કે જો તમે 1937ના અધિનિયમને પડકારો છો, તો પછી શું લાગુ પડશે? કાનૂની ખાલીપાનું શું થશે? અરજદારો તરફથી હાજર વકીલ પ્રશાંત ભૂષણે જવાબ આપ્યો કે શરિયા કાયદા મુજબ મહિલાઓને સંપત્તિમાં પુરુષો જેટલા જ અધિકારો મળે છે. તેમણે ઉમેર્યું કે જો 1937નો અધિનિયમ ગેરબંધારણીય જાહેર થાય, તો ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ થઈ શકે. જોકે ન્યાયમૂર્તિ બાગચીએ આ દલીલ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે જો 1937નો અધિનિયમ ન હોત, તો શું મુસ્લિમ વારસાગત મુદ્દા અનુચ્છેદ 372 હેઠળ પર્સનલ લો દ્વારા નિયંત્રિત ન થતાં?




