ઉદયનિધિ સ્ટાલિને સનાતન વિરુદ્ધ ફરી ઓક્યું ઝેર

ચેન્નઈઃ તામિલનાડુ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને DMKના ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિને ફરી એક વાર ‘સનાતન ધર્મ’ વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. ભૂતપૂર્વ ઉપ મુખ્યમંત્રી સ્ટાલિને સનાતન ધર્મને ખતમ કરવાની માગ કરી છે. તામિલનાડુ વિધાનસભાને સંબોધતાં ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સ્ટાલિને કહ્યું હતું કે સનાતન, જેણે લોકોને વહેંચ્યા છે, તેને ખતમ કરી દેવો જોઈએ. આ નિવેદન પર ભાજપ  તરફથી તરત જ તીખી પ્રતિક્રિયા આવી છે. ભાજપ  પ્રવક્તા CR કેશવને તેને “ઝેરી બકવાસ” ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ઉદયનિધિ સ્ટાલિન તામિલનાડુના રાહુલ ગાંધી છે, જે વહેંચણી અને ઘૃણાનું રાજકારણ ફેલાવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પવિત્ર સેંગોલની મજાક ઉડાડી હતી. તેમણે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું અપમાન કર્યું હતું અને તેનો બહિષ્કાર કર્યો. રાહુલ ગાંધીની જેમ ઉદયનિધિ સ્ટાલિન પણ તામિલનાડુની જનતા દ્વારા નકારી કાઢવામાં આવ્યા હોવા છતાં પોતાની ઝેરી ભાષા ચાલુ રાખી રહ્યા છે. વહેંચણીવાદી DMK પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? DMKએ કાર્તિકી દીપમ ઊજવવાનો વિરોધ કર્યો હતો. MK સ્ટાલિને ક્યારેય તામિલનાડુની જનતાને દિવાળીની શુભેચ્છા આપી નથી.

કેશવને વધુમાં કહ્યું કે DMKના એક સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ તો અત્યંત આક્ષેપજનક નિવેદન આપતાં કહ્યું હતું કે હિંદુ ધર્મ માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે. તેમણે કહ્યું કે વારંવાર આવી ભૂલો કરનારા લોકોએ આ વાત યાદ રાખવી જોઈએ કે તામિલનાડુના રાજ્યચિહ્નમાં મંદિરનું ગોપુરમ દર્શાવવામાં આવ્યું છે. તામિલનાડુની જનતા પોતાના ધર્મ અને લાગણીઓના આવા ખુલ્લા અપમાનને ક્યારેય ભૂલશે નહીં અને ન માફ કરશે.

 પહેલાં પણ આપી ચૂક્યા છે હિંદુવિરોધી નિવેદનો

ઉદયનિધિ અગાઉ પણ હિંદુ વિરોધી નિવેદનો આપી ચૂક્યા છે. આ પહેલાં ચેન્નઈમાં યોજાયેલા ‘સનાતન ઉન્મૂલન સંમેલન’ દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદન આપતાં સનાતન ધર્મની તુલના ડેંગ્યુ, મેલેરિયા અને કોરોના” જેવી બીમારીઓ સાથે કરી હતી. DMK નેતાએ કહ્યું હતું કે આવી વસ્તુઓનો માત્ર વિરોધ જ નહીં, પરંતુ તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવી જોઈએ.