પાકિસ્તાન: બ્રિટનના રોચડેલ કાઉન્સિલના કાઉન્સિલર અને લેબર પાર્ટીના નેતા દૌલત અલી (Daalat Ali)ને પાકિસ્તાન મુલાકાત દરમિયાન પાકિસ્તાની સત્તાવાળાઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. પાકિસ્તાન અધિકૃત કશ્મીર (PoK)માં પાકિસ્તાનના નિયંત્રણ અને ત્યાંના માનવાધિકાર ઉલ્લંઘન સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા તથા પાકિસ્તાનને ‘કબજો કરનાર સત્તા’ (occupying power) ગણાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દૌલત અલી એક નાગરિક અને ચેરિટી પ્રતિનિધિ મંડળ (civic delegation) સાથે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત પૂરી કરીને જ્યારે તેઓ યુકે પરત જવા માટે લાહોર એરપોર્ટ પર પહોંચ્યા, ત્યારે તેમની ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી અને તેમને પરત ફરતા અટકાવવામાં આવ્યા હતા. અગાઉ તેમની પ્રવાસની શરૂઆતમાં પણ અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલો વહેતા થયા હતા.
આ ઘટના બાદ બ્રિટિશ રાજકારણમાં અને માનવાધિકાર સંસ્થાઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. બ્રિટિશ સંસદસભ્યો અને અધિકારીઓ દ્વારા આ મામલે હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બ્રિટિશ વિદેશ મંત્રાલય (FCDO) સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં હોવાનું જણાવ્યું છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાજકીય દમન સામે આ કાર્યવાહી ગંભીર સવાલો ઊભા કરી રહી છે.




