યુક્રેને ૧,૮૦૦ કિમી દૂર લિબિયામાં રશિયન યુદ્ધજહાજ ‘મર્ક્યુરી’ કેવી રીતે ડૂબાડાયું?

લિબિયા : ૨૨ નવેમ્બરની મોડી રાત્રે નૌકાદળના યુદ્ધ ઈતિહાસમાં એક અસાધારણ ઘટના બની. યુક્રેનના દરિયાઈ ડ્રોન (USVs)એ પોતાના ક્ષેત્રથી ૧,૮૦૦ કિલોમીટરથી વધુ દૂર લિબિયાના બેન્ગાઝી (Benghazi) બંદર પર તૈનાત રશિયન ફ્રિગેટ ‘મર્ક્યુરી’ (Merkury) પર હુમલો કરીને તેને ડૂબાડી દીધું. બંદરમાં લાંગરેલા આ યુદ્ધજહાજ પર અજાણી સંખ્યામાં માનવરહિત સપાટીના જહાજો અથવા કામિકાઝે ડ્રોન ત્રાટક્યા હતા. અગાઉ સપ્ટેમ્બરમાં પણ યુક્રેનના USV એ ક્રીટ અને લિબિયા નજીક રશિયન ધ્વજ ધરાવતા કાર્ગો જહાજ ‘લેડી મારિયા’ ને નિશાન બનાવ્યું હતું.

જોકે ‘મર્ક્યુરી’ સંપૂર્ણપણે નાશ પામ્યું નથી અને ભારે ખર્ચ તથા પ્રયત્નો બાદ તેને ફરીથી બહાર કાઢી સેવામાં લાવી શકાય તેમ છે, પરંતુ આ ઘટનાએ રશિયા-યુક્રેન અને ઈરાન-અમેરિકા સંઘર્ષનો એક મહત્વપૂર્ણ બોધપાઠ ફરી સ્પષ્ટ કર્યો છે. મોટાપાયે ઉત્પાદિત ડ્રોન અને સતત સેટેલાઈટ દેખરેખ જેવી ટેકનોલોજીએ નાની શક્તિઓને પણ વિશાળ પ્રતિસ્પર્ધીઓ સામે લાંબા અંતરે પ્રહાર કરવાની ક્ષમતા આપી છે. આ સાથે રશિયા-યુક્રેન યુદ્ધ હવે કાળા સમુદ્ર, બાલ્ટિક અને કેસ્પિયન બાદ ભૂમધ્ય સમુદ્ર સુધી વિસ્તર્યું છે.

પાંચ વર્ષ લાંબા ચાલેલા આ યુદ્ધ દરમિયાન યુક્રેને અગાઉ ૨૦૨૨માં એન્ટી-શિપ મિસાઈલથી બ્લેક સી ફ્લેગશિપ ‘મોસ્કવા’ (Moskva) ને ડૂબાડ્યું હતું અને જૂન ૨૦૨૬માં સેન્ટ પીટર્સબર્ગ નજીક ક્રોન્સ્ટાડ્ટ નેવલ બેઝ પર હુમલામાં ‘મર્ક્યુરી’ ના સિસ્ટર શિપ ‘બોયકી’ (Boykiy) ને નષ્ટ કર્યું હતું. બીજી તરફ, ઈરાન અને હૂતી બળવાખોરો પણ હોર્મુઝ અને બાબ અલ-મંડેબ સ્ટ્રેટમાં ડ્રોન બોટ્સનો ઉપયોગ કરી ચૂક્યા છે, જ્યારે અમેરિકન નૌકાદળે પણ ઈરાન સાથેના સંઘર્ષમાં USVs નો ઉપયોગ કર્યો છે.

આ ઘટના ભારતીય નૌકાદળ માટે પણ એક મહત્વપૂર્ણ સંકેત છે. જ્યારે યુદ્ધજહાજો બંદરમાં ઊભેલા હોય ત્યારે ડ્રોન હુમલા સામે વધુ સંવેદનશીલ બની શકે છે. બેન્ગાઝીમાં ‘મર્ક્યુરી’ પાસે પૂરતું રક્ષણ નહોતું કારણ કે રશિયાને આટલા દૂરના હુમલાની અપેક્ષા નહોતી. ભારતીય નૌકાદળે સ્વદેશી USVs વિકસાવવામાં રોકાણ કર્યું છે, પરંતુ મુંબઈ, કારવાર, કોચી અને વિશાખાપટ્ટનમ જેવા મુખ્ય બંદરો પર ડ્રોન, USV અને UUV ના નિરીક્ષણ તથા બહુસ્તરીય સંરક્ષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.