ઉમરેઠ પેટાચૂંટણીઃ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારની જીત

આણંદ: ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણી માટે આજે મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી 15મો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. જેમાં આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 30,500 મતોની જંગી સરસાઈ સાથે શાનદાર જીત નોંધાવી છે, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની કારમી હાર થઈ છે.

છ ઉમેદવારો મેદાનમાં હતા

વિધાનસભાની પેટા ચૂંટણી  માટે 23મી એપ્રિલ માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ છ ઉમેદવારો મેદાનમાં હતા. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી. ઉપરાંત ત્રણ અપક્ષ ઉમેદવારો અને એક BNJD  પક્ષના ઉમેદવાર પણ ચૂંટણી મેદાનમાં હતા, જેને કારણે મુકાબલો રસપ્રદ બન્યો હતો.

આ બેઠકના કુલ મતદારોના 54 ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત 15 વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહી હતી.

ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થતાં પેટાચૂંટણી

ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગરમાવા વચ્ચે ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા પર પેટાચૂંટણી માટે (23મી એપ્રિલ) મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં દિવસ દરમિયાન અંદાજિત 59.04 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી હતી. ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ જેટલા મતદારો નોંધાયા હતા.

ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓનાં પરિણામો

ઉમરેઠ વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2022માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસ-NCP ગઠબંધનના ઉમેદવાર જયંત પટેલ (બોસ્કી)ને 26,717 મતોથી હાર આપી હતી. વર્ષ 2017માં ભાજપના ગોવિંદ પરમારે કોંગ્રેસના કપિલા ચાવડાને 1883 મતથી પરાજય આપ્યો હતો. જ્યારે NCP તરફથી લડેલા જયંત પટેલ (બોસ્કી)ને 35,501 મત મળ્યા હતા. વર્ષ 2012માં કોંગ્રેસ સાથેના ગઠબંધનથી NCPના જયંત પટેલ (બોસ્કી)એ ભાજપના ગોવિંદ પરમારને 1394 મતોથી હરાવ્યા હતા.